અમદાવાદ : રૂપિયા 85 કરોડની માતબર રકમથી બનાવવામાં આવેલા જલારામ અંડરપાસમાં સળીયા બહાર આવી ગયા છે. 4 માર્ચ-24ના રોજ રાજયના મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલા આ અંડરપાસની કામગીરી અંગે મેટ્રો રેલ પ્રોજેકટ ઉપરાંત રેલવે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંયુકત પ્લાનિંગ હતુ.લોકાર્પણના પાંચ મહિનાના સમયમાં જ અંડરપાસ બનાવવાની કામગીરીમાં રાખવામાં આવેલી બેદરકારી બહાર આવી ગઈ છે. શહેરમાં 452 મીટર લંબાઈના જલારામ અંડરપાસ બનાવવાનો નિર્ણય વર્ષ-2016માં કરવામાં આવ્યો હતો. ગુજરાત મેટ્રો રેલ ઉપરાંત પશ્વિમ રેલવે તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા આયોજન મુજબ,મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ અંડરપાસના નિર્માણ માટે રુપિયા 33 કરોડનો ખર્ચ કર્યો છે. ગુજરાત મેટ્રો રેલ દ્વારા 47 કરોડ તેમજ પશ્વિમ રેલવે દ્વારા રુપિયા ત્રણ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.અંડરપાસની કામગીરી રવિ બિલ્ડર્સ દ્વારા કરવામાં આવી હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. લોકાર્પણ કરવામા આવ્યુ એ સમયથી જ જલારામ અંડરપાસ વિવાદનું કેન્દ્ર બનતો રહ્યો છે. અંડરપાસનુ લોકાર્પણ કરવામાં આવ્યું એના ગણતરીના સમયમાં જ લોકો માટે બંધ કરવાની તંત્રને ફરજ પડી હતી.