Khedbrahma Market Yard : ખેડબ્રહ્મા માર્કેટયાર્ડમાં અઢી વર્ષ માટે ચેરમેનની આજે ચૂંટણી યોજાતા ડખા શરૂ થયા છે. અઢી વર્ષ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હિરાભાઇ લવજીભાઇ પટેલને ભાજપ પક્ષે મેન્ડેટ આપીને માર્કેટયાર્ડના ચેરમેન બનાવ્યા હતા.જેના પગલે માર્કેટયાર્ડના ડિરેક્ટર, ભાજપ શાસિત સાબરકાંઠા જિલ્લા પંચાયતના પોશીનાની દંત્રાલ બેઠકના સદસ્ય અમરત શામળભાઇ પટેલે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ ધરી દીઘુ છે. જયારે અમરત પટેલના સમર્થનમાં ખેડબ્રહ્વા યુવા મોરચાના પ્રમુખ અક્ષય પટેલે પણ રાજીનામુ આપી દીઘુ છે.ખેડબ્રહ્મા જુની માર્કેટયાર્ડમાં ગુરૂવારે અઢી વર્ષ માટે ચેરમેનની ચૂંટણી બપોરે 12 વાગ્યે યોજાઇ હતી. અઢી વર્ષ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હિરાભાઇ લવજીભાઇ પટેલ ( રહે. ચાંપલપુર)ને માર્કેટયાર્ડના ચેરમેન માટે ભાજપે મેન્ડેટ આપતા બિનહરીફ ચૂંટાઇ આવતા ઉકળતા ચરૂ જેવી સ્થિતિ સર્જાઇ હતી. ભાજપશાસિત સાબરકાંઠા જિલ્લા પંચાયત પક્ષના નેતા, ખેડબ્રહ્મા માર્કેટયાર્ડના ડિરેક્ટર અમરતભાઇ શામળભાઇ પટેલ ( રહે. મંત્રાલ)એ રાજીનામુ આપી દીઘુ હતું. અમરતભાઇ પટેલે રાજીનામાંના પત્રમાં આક્ષેપ કર્યો છે કે, સિનિયર ભાજપના આગેવાન છે. તેમ છતાં હીરાભાઇને મેન્ટેડ શા માટે આપવો પડ્યો છે. સેન્સ વખતે પણ બહુમતી સભ્યોએ તેમના સેન્સ લીધી ન હતી. સાબર ડેરીમાં પણ મોટાભાગના કોંગ્રેસીઓને મેન્ડેટ આપવામાં આવ્યો છે. ભાજપના સિનિયર કાર્યકરોની સતત અવગણના થાય છે. ગત અને ચાલુ ટર્મમાં કોઇ સમિતિ આપી નથી. ચૂંટણી વખતે મહેનત કરીને આ સીટ અને પોશીના તાલુકા પંચાયતમાં ભાજપની બનાવી હતી. પાર્ટીમાં સતત અન્યાય થાય છે. તેથી ભાજપમાંથી રાજીનામુ આપ્યું છે. ખેડબ્રહ્મા તાલુકા યુવા મોરચાના પ્રમુખ અક્ષય પટેલે રાજીનામુ આપી દીઘુ છે અને જણાવ્યું છે કે, માર્કેટયાર્ડમાં સેન્સ પ્રક્રિયાની બહુમતીના વિરોધમાં આયાતી ઉમેદવારને મેન્ડેટ આપી મૂળ ભાજપના સિનિયર કાર્યકર્તા અને આગેવાનોની અવગણના કરી છે અને સાબરકાંઠાના સંગઠનની કાર્યશૈલીના વિરોધમાં ભાજપના પ્રાથમિક સભ્ય પદ અને યુવા મોરચા પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યુ છે.