જગતના નાથની નગરચર્યાને હવે ફક્ત ગણતરીની કલાકો જ બાકી રહી છે. 7 જુલાઈને રવિવારે અમદાવાદ શહેરમાં ભગવાગ જગન્નાથની રથયાત્રા નીકળશે, જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જમાલપુર જગન્નાથ મંદિર હોય કે સરસપુરમાં ભગવાનનું મોસાળું હોય, પોલીસતંત્ર હોય અથવા અખાડા કે ભજનમંડળી હોય, તમામ લોકો ભગવાનની નગરચર્યાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભગવાનનું મોસાળ કહેવાતા સરસપુરમાં વર્ષોની જેમ આ વર્ષે પણ પ્રસાદ બનાવવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. અહીં આવનારા લાખો ભક્તોને ભોજન પીરસવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભગવાનની રથયાત્રાના દિવસે સરસપૂરના એકપણ ઘરનો ચૂલો પ્રગટતો નથી. તમામ લોકો મોસાળમાં ભાણિયાની આગતાસ્વાગતા કરવામાં મગ્ન થઈ જતા હોય છે અને ભક્તોને ભોજન પીરસે છે.
ભગવાનના મોસાળમાંથી કોઈ ભૂખ્યું ન જાય
દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસપુરમાં રથયાત્રાના 15 દિવસ અગાઉથી જ દરેક પોળમાં તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. ત્યારે રથયાત્રાને બે દિવસ જ બાકી છે ત્યારે સરસપુરની વિવિધ પોળમાં પ્રસાદ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. સરસપુરમાં ભગવાનનું મોસાળ કહેવાતું રણછોડરાયજી મંદિરની સામે આવેલી લુહાર શેરીમાં છેલ્લાં 47 વર્ષથી ભક્તોને પ્રસાદ-ભોજન પીરસવામાં આવે છે. આ ઉપરાંત અન્ય 12 જેટલી પોળમાં રથયાત્રાના દિવસે ભક્તો માટે પ્રસાદી-ભોજન રાખવામાં આવે છે. કહેવાય છે કે અષાઢી બીજના દિવસે જે કોઈ સરસપુરમાં જાય તે ભોજન-પ્રસાદ લીધા વિના પરત ફરતા નથી. દરેક પોળમાં, દરેક શેરીમાં અને દરેક ગલીમાં ભક્તોને પ્રસાદી મળી રહે છે. હજુ પણ સરસપુરમાં વર્ષો જૂની પરંપરાગત રીતે ભક્તોને નીચે પંગતમાં બેસાડીને ભોજન પીરસવામાં આવે છે.
ભગવાનના મોસાળમાં પ્રસાદ બનાવવાની કામગીરી.
અમારી શેરીમાંથી કોઈ ભક્ત ખાલી પેટે પરત નહીં ફરેઃ પ્રવીણભાઈ
સરસપુરમાં આવેલી લુહાર શેરીમાં મંડળ દ્વારા છેલ્લાં 47 વર્ષથી ભક્તો માટે પ્રસાદ-ભોજનનું આયોજન કરવામાં આવે છે, જેની 15 દિવસ અગાઉ જ તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. મંડળના આગેવાન પ્રવીણભાઈ પટેલે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી શેરીમાં કોઈપણ ભક્ત ખાલી પેટ પરત નહીં ફરે. આ વર્ષે પણ ભક્તો માટે 1500 કિલો મોહનથાળ, 1000 કિલો બટાટાંનું શાક અને 1000 કિલો લોટની પૂરીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવારના 11:00 વાગ્યાથી સાંજના 4:00 વાગ્યા સુધી, જ્યાં સુધી પ્રસાદ-ભોજન હોય ત્યાં સુધી ભક્તોને પીરસવામાં આવે છે. પંગતમાં બેસાડીને જમાડવા માટે શેરીનાં બાળકોથી લઈને મહિલાઓ અને વૃદ્ધો પણ સેવામાં જોડાય છે. લગભગ 200 જેટલા લોકો આ સેવાયજ્ઞમાં જોડાય છે અને ભક્તોની સેવાનો લાભ લે છે.
દરેક પોળમાં સફાઈ સહિતની કામગીરી શરૂ.
‘ભક્તો માટે તમામ ઘરના દરવાજા ખુલ્લા’
દિવ્ય ભાસ્કર દ્વારા જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ વર્ષે હવામાન વિભાગ દ્વારા રથયાત્રાના દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો તમારું કેવું આયોજન છે? તો તેમણે જણાવ્યું હતું કે ભગવાનની દયાથી દર વર્ષે અષાઢ મહિનામાં રથયાત્રાના દિવસે અમી છાંટણાં થતાં હોય છે, પરંતુ જે સમય દરમિયાન ભક્તો સરસપુરમાં ભોજન પ્રસાદી ગ્રહણ કરતા હોય છે, ત્યારે ધોધમાર વરસાદ વરસ્યો નથી. જો આવશ્યક આગાહી સાચી પડે અને આવું કઈ બનશે તો સરસપુરની દરેક શેરીના દરેક ઘર ભક્તો માટે ખુલ્લાં કરી દેવામાં આવશે. આવનારા તમામ ભક્તોને ભોજન પીરસવામાં આવશે.
આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી.
દરેક શેરીમાં ભક્તો માટે પ્રસાદનો પ્રબંધ
સરસપુરની વિવિધ શેરીમાં જ્યાં ભક્ત જશે, ત્યાં તેમને વિવિધ પ્રસાદ-ભોજન મળી રહેશે. દાળ-ભાત, શાક-પૂરી અને મિષ્ઠાન તો ક્યાંક પૂરી-શાક અને ગાંઠિયા તથા બુંદીનો પ્રસાદ. ઉપરાંત ક્યાંક ખીચડી-કઢીનો પ્રસાદ પણ મળી રહેશે. સરસપુરની વિવિધ શેરી કડિયાવાડ, લીમડાપોળ, પીપળાપોળ, ગાંધીની પોળ, કડિયાની પોળ, ઠાકોરવાસ, અમલીવાદ, રૂડીમાનું રસોડું, જે સરસપુરમાં સૌથી પહેલા પ્રસાદની શરૂઆત થઈ હતી. ઉપરાંત સાળવીવાડ રામજીમંદિર વાસણશેરી તમામ સ્થળ પર ભક્તો માટે ભોજન-પ્રસાદ આયોજન કરવામાં આવ્યું છે.
ભક્તોએ ધ્વજારોહણ કર્યું.
એકપણ ભક્ત મોસાળમાંથી ભૂખ્યો નહિ જાય.