સીબીઆઇએ રવિવારે મધ્ય પ્રદેશના સિંગરોલી જિલ્લામાં મોટા પાયે દરોડા પાડયા છે. કથિત નાણાકીય અનિયમિતતાઓની તપાસ હેઠળ નોધર્ન કોલફીલ્ડ્સ લિમિટેડ (એનસીએલ) સાથે સંકળાયેલા અધિકારીઓ અને પુરવઠાકર્તાઓને નિશાન બનાવવામાં આવ્યા છે.આ કાર્યવાહી શનિવાર રાતે સીબીઆઇના જબલપુર એકમના એક ડીએસપીની ધરપકડ પછી કરવામાં આવી છે. તેમના પર શંકાના દાયરામાં રહેલા કેટલાક એનસીએલ અધિકારીઓની સાથે કથિત સંડોવણીનો આરોપ છે.સીબીઆઇ ડીએસપીની ધરપકડ પછી મળેલા પુરાવા પછી એનસીએલમાં ટીમે દરોડા પાડયા હતાં. આ દરમિયાન લાખો રૃપિયાની રોકડ મળી આવી છે. આ કેસમાં સોમવારે નોએડા અને મેરઠમાં પણ સીબીઆઇએ દરોડા પાડયા હતાં.સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે પાડવામાં આવેલા દરોડા દરમિયાન સીબીઆઇએ લગભગ પાંચ કરોડ રૃપિયાની ગેરકાયદે સંપત્તિ શોધી કાઢી છે. જેમાં ચાર કરોડ રૃપિયા રોકડા સામેલ છે.જે પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા છે તેમાં એનસીએલના સીએમડી બી સાઇરામના અંગત સહાયક સૂબેદાર ઓઝા, એનસીએલના વરિષ્ઠ સુરક્ષા અધિકારી બી કે સિંહ અને એનસીએલના મુખ્ય પુરવઠાકર્તા રવિ સિંહનું પણ ઘર સામેલ છે.વાસ્તવમાં એવા સમાચાર મળ્યા હતાં કે સિંહની ધરપકડ કરવામાં આવી છે પરંતુ આ સમાચારને સત્તાવાર સમર્થન મળ્યું નથી. બીમારીની ફરિયાદ પછી તેમને કોતવાલી પોલીસે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.એનસીએલને મોંધી મશીનરી અને ઉપકરણોનો મુખ્ય પુરવઠાકર્તા સિંહ સિગરોલીમાં ભારે વગ ધરાવે છે. આ કાર્યવાહીમાં ૩૦ સીબીઆઇ અધિકારી સામેલ હતાં. એજન્સીએ અત્યાર સુધી ચાલી રહેલી તપાસમાં કોઇ સત્તાવાર નિવેદન જારી કર્યુ નથી.ઉલ્લેખનીય છે કે ત્રણ મહિનાની અંદર ડીએસપી પાંચમાં અધિકારી છે જેમની સીબીઆઇએ ધરપકડ કરી છે. આ અગાઉ નર્સિંગ કૌભાંડની તપાસમાં પણ સીબીઆઇએ પોતાના જ અધિકારીઓની લાંચ કેસમાં ધરપકડ કરી હતી.