Dinesh Karthik : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગલુરુમાં રમાઈ રહેલી ટેસ્ટ મચની પહેલી ઇનિંગમાં ભારતીય ટીમે ધબડકો કરતા માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન ભારતની બેટિંગ ચર્ચાનું કેન્દ્ર રહી હતી. સાથે જ વિરાટ કોહલીનો બેટિંગ ઓર્ડર પણ ચર્ચામાં આવી ગયો છે. કોહલી સામાન્ય રીતે નંબર-4 પર બેટિંગ કરવા આવે છે, પરંતુ ન્યૂઝીલેન્ડ સામે તે નંબર-3 પર બેટિંગ કરવા આવ્યો હતો. હવે પૂર્વ ક્રિકેટર દિનેશ કાર્તિકે કોહલીને બેટિંગ માટે મોકલવા બદલ કોચ ગૌતમ ગંભીરની ટીકા કરી છે.
દિનેશ કાર્તિકે કહ્યું હતું કે, ‘હું વિરાટ કોહલીનો બચાવ નથી કરી રહ્યો. તેની પાસે એવી ટેકનિક અને જુસ્સો છે કે, જે તેને ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ બેટરમાંનો એક બનાવે છે. જો હું ટીમમાં ફેરફાર કરવા ઈચ્છું તો હું બેટરને એ જ ક્રમમાં રાખીશ જ્યાં તે સારું પ્રદર્શન કરી શકે. કોહલી વનડેમાં નંબર-3 પર અને T20માં ઓપનિંગમાં બેટિંગ કરવા આવે છે. હવે એવું કહી શકાય કે ટેસ્ટ ક્રિકેટમાં બોલ બદલાઈ ગયો છે. જેમાં વધુ હલચલ જોવા મળતી નથી. ટેસ્ટ ક્રિકેટમાં કોહલી માટે બેટિંગ કરવા માટે સૌથી સારી સ્થિતિ નંબર-4 છે.
સૂચન આપતા દિનેશ કાર્તિકે જણાવ્યું હતું કે, કોચ ગૌતમ ગંભીરે વિરાટ કોહલીને બદલે કેએલ રાહુલને નંબર-3 પર પ્રમોટ કરવો જોઈતો હતો. કોહલીએ પોતે જ કોચના નિવેદન સામે વિરોધ દર્શાવવો જોઈતો હતો. અને કોચને કહેવાની જરૂર હતી કે, હું માત્ર નંબર-4 પર જ બેટિંગ કરવા માંગું છું. કે.એલ રાહુલ નંબર-3 બેટર તરીકે વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
અહીં એ પણ નોંધનીય છે કે, ત્રીજા નંબર પર બેટિંગ કરવ આવતા રહેલા વિરાટ કોહલીના આંકડા બહુ સારા નથી. ત્રીજા નંબર પર બેટિંગ કરતી વખતે તેણે ટેસ્ટ મેચોમાં 7 ઇનિંગ્સ રમી છે, જેમાં તે 16ની આસપાસની સરેરાશથી માત્ર 97 રન જ બનાવી શક્યો છે.