જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે ભારે પવન સાથે વરસાદ પડયો હતો. શહેર કરતા ગિરનાર પર નવ ગણી ઝડપે પવન ફૂંકાયો હતો. ભારે પવન સાથે 4 ઇંચ વરસાદ પડતાં આજે ફરી કાળવા અને સોનરખ નદીમાં પાણી આવ્યું હતું. આ ઉપરાંત ભેંસાણ, જૂનાગઢ, વંથલી, માણાવદર પંથકમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ પડયો હતો.છેલ્લા ત્રણ દિવસથી જૂનાગઢ સહિત સમગ્ર જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગતરાત્રીથી પવનની ઝડપમાં વધારો થયો છે. આજે જૂનાગઢ શહેરમાં 16.8ની ઝડપે પવન ફૂંકાયો હતો. જ્યારે ગિરનાર પર્વત પર 154 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. તેજ પવનના કારણે ગિરનાર પર વાવાઝોડા જેવી હાલત થઈ ગઈ હતી. ગિરનાર પર ભારે પવન સાથે ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. પવન અને વરસાદના લીધે ગિરનાર પર અંધારપટ છવાયો હતો. પગથિયાં પરની દુકાનોના પતરા, પ્લાસ્ટીક ઉડી ગયા હતા. વીજપોલ પડી જતા બે દિવસથી અંધારપટ છે. આજે દિવસ દરમ્યાન ગિરનાર પર યાત્રિકોની પાંખી હાજરી રહી હતી. આ વરસાદના લીધે આજે પણ કાળવા અને સોનરખ નદીમાં પાણી આવ્યું હતું.જ્યારે ભેસાણ પંથકમાં આજે પણ ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીથી જળબંબાકાર થઈ ગયા હતા. જ્યારે જૂનાગઢ શહેર, વંથલી અને માણાવદર પંથકમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મેંદરડા, માળીયા હાટીના, વિસાવદર પંથકમાં દોઢ ઇંચ, કેશોદમાં એક ઇંચ, માંગરોળમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. સતત થઈ રહેલા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકાર હાલત થઈ છે ત્યારે લોકોમાં ચિંતા વ્યાપી છે.