મુંબઈ : સોલાર પેનલ તથા ઈલેકટ્રોનિકસ ઉત્પાદકો તરફથી વધી રહેલી માગને ધ્યાનમાં રાખતા વર્તમાન વર્ષમાં ભારતની ચાંદીની આયાત લગભગ બમણી થવાના માર્ગે છે. સોના કરતા ચાંદી પર વધુ વળતર મળી રહેવાની પણ ટ્રેડરો ગણતરી મૂકી રહ્યા હોવાનું કેટલાક આયાતકારો માની રહ્યા છે.ગયા વર્ષે ભારતે ૩૬૨૫ ટન્સ ચાંદી આયાત કરી હતી જે વર્તમાન વર્ષમાં વધી ૭૦૦૦ ટન્સ આસપાસ રહેવા ધારણાં છે એમ એક આયાતકાર કંપનીના સુત્રોએ જણાવ્યું હતું. ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં ચાંદીની આયાત ૪૫૫૪ ટન્સ રહી હતી જે ૨૦૨૩ના આ ગાળામાં ૫૬૦ ટન્સ રહી હતી એમ વાણિજ્ય મંત્રાલયના ડેટા જણાવે છે. ચાંદી પરની આયાત ડયૂટીમાં ઘટાડો કરાતા માગને ટેકો મળી રહ્યો છે. દેશમાં આમપણ ચાંદીની ઈન્વેસ્ટમેન્ટસ સાથોસાથ પરંપરાગત માગ રહે છે. વર્તમાન નાણાં વર્ષના બજેટમાં ચાંદી પરની આયાત ડયૂટી પંદર ટકા પરથી ઘટાડી ૬ ટકા કરાઈ છે. સોના કરતા ચાંદી પર વધુ વળતર મળવાની ધારણાંએ પણ રોકાણકારો દ્વારા ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો હોવાનું સ્થાનિક આયાતકારે જણાવ્યું હતું. વર્તમાન વર્ષમાં ચાંદી પર અત્યારસુધીમાં ૧૪ ટકા અને સોનામાં ૧૩ ટકા વળતર છૂટી રહ્યું છે.વિશ્વમાં ભારત ચાંદીનો સૌથી મોટો વપરાશકાર દેશ છે. ઘરઆંગણે વધેલી માગને પરિણામે વિશ્વ સ્તરે ચાંદીના ભાવને ટેકો મળી રહ્યો છે. વર્તમાન વર્ષમાં ચાંદીની થયેલી કુલ આયાતમાંથી પચાસ ટકા કરતા વધુ આયાત એકલા યુએઈ ખાતેથી થઈ છે.