ચાંદલોડીયામાં દેવમંદિર સોસાયટીના એક મકાનના વિવાદ પછી ડેપ્યુટી મેયર જતીન પટેલે રાજકીય કીન્નાખોરી રાખી અધિકારીઓને પ્લાન પાસ નહીં કરવા દબાણ કર્યુ હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના કાર્યકરે કર્યો છે.પ્રોપર્ટી કાર્ડ મુજબના ક્ષેત્રફળ મુજબના પ્લાનને અધિકારીઓએ મંજુરી આપી હતી.દેવમંદિર સોસાયટીમાં મકાન ધરાવતા અમિત પંચાલે મિડીયા સાથેની વાતચીતમાં કહયુ, મકાન જર્જરીત થઈ ગયુ હોવાથી નવુ બનાવી રહયા છીએ.જેનો સોસાયટીના ચેરમેને વાંધો લીધો હતો અને વાંધા અરજી આપવામાં આવી હતી.મકાન બનાવવા પ્લાન પાસ કરાવવાથી લઈ તમામ કાયદાકીય પ્રક્રીયા કરવામાં આવી છે.જુના અને નવા પ્લાન બંને સુસંગત છે.પ્રોપર્ટી કાર્ડમાં ૬૯.૦૨ ચોરસમીટર ક્ષેત્રફળ બતાવાયુ છે એ મુજબના જ પ્લાન પાસ કરવામાં આવ્યા હતા.ઘન્શ્યામ કોમ્પલેકસના ચેરમેન કલ્પેશ પટેલ તથા ડેપ્યુટી મેયર જતીન પટેલ પ્લાન પાસ ના થાય એ માટે અધિકારીઓ ઉપર દબાણ કરતા હોવાનું ધ્યાન ઉપર આવતા જતીન પટેલને પણ મળવા ગયા હતા.છતાં તેઓ કેમ વિરોધ કરી રહયા છે એ બાબત સમજાતી નથી.વર્ષ-૨૦૧૯માં ઘાટલોડીયા વોર્ડમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે તથા વર્ષ-૨૦૨૧માં આપ પાર્ટીના ઉમેદવાર તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉભો રહયો હતો.આ કારણથી રાજકીય કીન્નાખોરી રાખી પ્લાન પાસ ના થાય એ માટે અધિકારીઓ ઉપર દબાણ કરાઈ રહયુ છે.