વિશ્વના સૌથી ખૂંખાર બોલર્સ પૈકીનો એક ઇંગ્લૅન્ડનો દિગ્ગજ જેમ્સ એન્ડરસન ટૂંક સમયમાં ટી20 ક્રિકેટમાં બોલિંગ કરતો નજર આવી શકે છે. ઇંગ્લૅન્ડ માટે સૌથી વધુ અને વિશ્વમાં ત્રીજો સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર આ દિગ્ગજ યુએસએની મેજર લીગ ક્રિકેટમાં રમે તેવી શક્યતા છે. મેજર લીગ ક્રિકેટ ટી20 ટુર્નામેન્ટની એક ટીમે તેને આગામી સિઝનથી પોતાની સાથે જોડવામાં રસ દાખવ્યો છે. 42 વર્ષીય આ દિગ્ગજે આ વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું, તેણે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ મેચની સાથે જ 21 વર્ષના પોતાના કરિયરને વિરામ આપ્યો.
ટી20 ક્રિકેટમાં એન્ડરસનની એક્શન નજર આવશે :
એક રિપોર્ટ અનુસાર એમએલસી ટીમે જેમ્સ એન્ડરસનને ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જો કે, આ ફ્રેન્ચાઇઝીનું નામ સામે આવ્યું નથી. રિપોર્ટમાં જણાવાયું છે કે ફ્રેન્ચાઇઝી તપાસ કરી રહી છે કે 42 વર્ષનો આ ક્રિકેટર આગામી વર્ષે સંયુક્ત રાજ્ય અમેરિકામાં થનારી ટી20 ટુર્નામેન્ટના ત્રીજા એડિશનમાં ભાગ લેવા માટે તૈયાર છે કે નહીં. એમએલસીમાં સામેલ થવા માટે એન્ડરસનને લગભગ દોઢ કરોડ રૂપિયા આપવામાં આવી શકે છે.વિશ્વમાં ઝડપી બોલર તરીકે સૌથી વધુ ઇન્ટરનેશનલ વિકેટ લેનાર જેમ્સ એન્ડરસન જો મેજર લીગ ક્રિકેટ ટી20 લીગમાં સામેલ થાય છે તો તે 10 વર્ષ બાદ કોઈ ટી20 મેચ રમતો નજર આવશે. 2007માં ટી20 ઇન્ટરનેશનલ ડેબ્યુ કરનાર આ દિગ્ગજે અંતિમ ટી20 મેચ 2014માં રમી હતી, જ્યારે ટી20 બ્લાસ્ટ માટે લંકાશાયર ટીમનો ભાગ હતો. તે બાદથી તે આ ફોર્મેટમાં કોઈ પણ મેચ રમ્યો નથી. તેના ટી20 ક્રિકેટમાં પાછા ફરવાના સમાચાર સાંભળીને ચાહકો ઉત્સાહિત છે. અમુક ચાહકો સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ શેર કરી રહ્યા છે.જેમ્સ એન્ડરસને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 19 મેચ રમી. ઓવરઓલ ટી20 રૅકોર્ડમાં આ દિગ્ગજે 44 મેચમાં કુલ 41 વિકેટ લીધી. આ મહાન બોલરના નામે ટેસ્ટમાં 704 વિકેટ અને વનડેમાં 269 વિકેટ પણ નોંધાયેલી છે.
લીગમાં વિશ્વના ઘણા સ્ટાર ક્રિકેટર્સ સામેલ છે :
મેજર ક્રિકેટ લીગમાં વિશ્વના ઘણા સ્ટાર ક્રિકેટર્સ સામેલ છે, જેમાં ઓસ્ટ્રેલિયાના કૅપ્ટન પેટ કમિન્સ પણ છે. કમિન્સને 2027 સુધી સેન ફ્રાંસિસ્કો યુનિકોર્ન્સે પોતાની સાથે જોડ્યો છે. તેના સાથી ઓસ્ટ્રેલિયન સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ અને ટ્રેવિસ હેડ પણ આ લીગ રમી ચૂક્યા છે, જે વોશિંગ્ટન ફ્રીડમ ટીમનો ભાગ હતા. જેણે આ વર્ષની ટુર્નામેન્ટ જીતી હતી. ઇંગ્લૅન્ડના વર્લ્ડ કપ વિનર લિયામ પ્લંકેટ અને જેસન રોય બંનેએ એમએલસીના છેલ્લા બે એડિશનમાં ભાગ લીધો છે.