દિલ્હીના જંતર-મંતર પર આમ આદમી પાર્ટીએ ‘જનતા કી અદાલત’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમને સંબોધિત કરતાં અરવિંદ કેજરીવાલે કહ્યું, ‘4 એપ્રિલ, 2011 નો દિવસ હતો જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી અન્ના આંદોલન શરૂ થયું હતું. અમે પ્રામાણિકતાથી સરકાર ચલાવી રહ્યા હતાં. જનતાને સુવિધાઓ આપી, વીજળી ફ્રી કરી દીધી, પાણી ફ્રી કર્યું, મહિલાઓ માટે બસ મુસાફરી ફ્રી કરી, વડીલોને ફ્રીમાં તીર્થયાત્રા કરાવી, હોસ્પિટલ, મોહલ્લા ક્લિનિક અને શાનદાર સ્કૂલ બનાવી. 10 વર્ષ સુધી પ્રામાણિકતાથી કામ કર્યું, તો નરેન્દ્ર મોદીને લાગવા લાગ્યું કે, આનાથી જીતવું છે તો તેની પ્રામાણિકતા પર વાર કરો. તેથી તેઓએ મારા પર ભ્રષ્ટાચારના ખોટા આરોપ લગાવ્યાં. અમારા મંત્રીઓ અને નેતાઓને વીણી-વીણીને જેલમાં નાંખ્યા. અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘આ નેતાઓ (ભાજપ) ને કેસ અને મુકદ્દમાઓથી ફરક નથી પડતો, તેમની ચામડી જાડી થઈ ગઈ છે. જોકે, હું આવો નથી. હું નેતા નથી, મારી ચામડી જાડી નથી. મને ખોટાં આરોપોથી ફરક પડે છે. મને ચોર અને ભ્રષ્ટાચારી કહેવામાં આવે તો મને ફરક પડે છે. હું ખૂબ જ દુઃખી છું, તેથી રાજીનામું આપી દીધું. મેં મારા જીવનમાં ફક્ત સન્માન અને પ્રામાણિકતા કમાઈ છે. મારી બેન્કમાં કોઈ પૈસા નથી. 10 વર્ષ બાદ મેં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. થોડીવારમાં આવાસ પણ છોડી દઈશ. આજે દિલ્હીમાં રહેવા માટે મારી પાસે ઘર પણ નથી.’
જેપી નડ્ડા પર કર્યાં પ્રહાર :
આ દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંબંધો પર પણ તીખી ટિપ્પણી કરી હતી. કેજરીવાલે કહ્યું, ‘RSS ભાજપની માતા બરાબર છે, પરંતુ આજે ભાજપ પોતાની માને આંખો બતાવે છે.’ કેજરીવાલનું આ નિવેદન પર જેપી નડ્ડાની એ ટિપ્પણીના સંદર્ભમાં હતું, જેમાં નડ્ડાએ કહ્યું હતું કે, ‘ભાજપને હવે આરએસએસની જરૂર નથી.’કેજરીવાલની ટિપ્પણીએ રાજકીય ચર્ચા શરૂ કરી દીધી છે, ખાસ કરીને એવા લોકોની વચ્ચે જે આરએસએસ અને ભાજપના ગાઢ સંબંધોને મહત્ત્વપૂર્ણ માને છે. કેજરીવાલે સવાલ કરતા કહ્યું કે, ‘શું તમને જેપી નડ્ડાની આ ટિપ્પણીથી દુઃખ ન થયું?’ કેજરીવાલે એ વાત પર ભાર મુક્યો કે, ભાજપ અને આરએસએસ વચ્ચે ગાઢ સંબંધ છે અને આ પ્રકારની ટિપ્પણી આ સંબંધને ઈજા પહોંચાડવાનું કામ કરે છે.