આમ આદમી પાર્ટીના (AAP)રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગઈ કાલે દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. દિલ્હીના મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપ્યા બાદ આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલે સરકારી મકાન સહિત તમામ સુવિધાઓ છોડવાનો નિર્ણય કર્યો છે.મળતી માહિતી પ્રમાણે, કેજરીવાલ આગામી 15 દિવસમાં મુખ્યમંત્રી આવાસ છોડી દેશે. જો કે મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ સરકારી મકાન ખાલી કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવે છે, પરંતુ અરવિંદ કેજરીવાલ આટલો સમય કાઢવા માંગતા નથી. તેથી, તેઓ 15 દિવસમાં ‘શીશમહેલ’ ખાલી કરશે.
કેજરીવાલ સરકારી આવાસ છોડ્યા પછી ક્યાં રહેશે?
AAP સાંસદ સંજય સિંહે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલ હવે માત્ર ધારાસભ્ય રહી ગયા છે. આવી સ્થિતિમાં તેમને ધારાસભ્ય તરીકે મળેલી સરકારી સેવાઓ, પગાર અને ભથ્થાં જ મળશે. તેઓ નવી દિલ્હી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે, પરંતુ ભૂતપૂર્વ મુખ્ય મંત્રીને સરકારી આવાસ ફાળવવાની કોઈ જોગવાઈ નથી, તેથી તેમને સરકારી આવાસ તો નહી મળે. આવી સ્થિતિમાં તેઓએ પોતાનું નવુ ઘર જાતે જ શોધવું પડશે. મુખ્યમંત્રી પદ છોડતાની સાથે જ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી તરીકે મળેલ સરકારી ઘર, સરકારી કાર અને સરકારી સુરક્ષા છોડવી પડશે.તો બીજી તરફ વિરોધીઓએ આ મુદ્દે સંજય સિંહની પ્રેસ કોન્ફરન્સને છેતરપિંડી ગણાવી હતી અને કહ્યું હતં કે કેજરીવાલને બલિદાનની મૂર્તિ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.વિધાનસભા ચૂંટણી 2020 માટે દાખલ કરાયેલ ચૂંટણી એફિડેવિટ મુજબ, અરવિંદ કેજરીવાલ પાસે કોઈ ઘર નથી. તેની પાસે પોતાની કાર પણ નથી. આવી સ્થિતિમાં સવાલ એ છે કે, કેજરીવાલ હવે ભાડાના મકાનમાં રહેશે? સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નેશનલ પોલિટિકલ પાર્ટીના અધ્યક્ષ હોવાથી તેમને સરકારી મકાન મળી શકે છે, પરંતુ શું તેઓ સરકારી મકાન લેશે? આ પણ એક પ્રશ્ન છે. પોતાની પાર્ટીની ઓફિસ બનાવવા માટે પણ તેમને ભાગ્યે જ જગ્યા મળી. ચર્ચા છે કે, કેજરીવાલ સેંટ્રલ દિલ્હીમાં પોતાના માટે જગ્યા શોધી રહ્યા છે.મહત્વનું છેકે, મુખ્યમંત્રી પર પરથી રાજીનામુ આપવાની જાહેરાત બાદ તેમણે કહ્યું હતુ કે, તેઓ CM ના પદ પર ત્યારે જ બેસશે જ્યારે જનતા તેમને ઇમાનદારીનું પ્રમાણપત્ર આપશે.