કોલકોતામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી.હોસ્પિટલમાં દર્દીના સ્વજને ઉશ્કેરાઈ રેસિડેન્ટ ડોક્ટરનું ગળું દબાવી દેવાની ઘટના બનતા હોસ્પિટલમાં દોડધામ મચી હતી. ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડે ડોકટરને છોડાવ્યા હતા. આ ઘટનાને પગલે રેસિડેન્ટ ડોક્ટરો ત્રણથી ચાર કલાક ઈમરજન્સી સેવાથી અળગા રહયા હતા. ભારે સમજાવટ બાદ તેમણે ફરીથી કામગીરી શરૂ કરી હતી. આ ઘટના બાદ દર્દીના પરિવારજનો સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત,એલ.જી.હોસ્પિટલમાં રવિવારે (18મી ઓગસ્ટ) વહેલી સવારે ઝેરી દવા પીનારા એક દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. દર્દીને ઈમરજન્સી ટ્રોમા સેન્ટરમાં લાવી હાજર રેસિડેન્ટ ડોક્ટર હિરલબેન દ્વારા દર્દીના સગાને દર્દીએ કઈ દવા પીધી હતી, ઘટના કેવી રીતે બની તે અંગે વિગત પુછી રહ્યા હતા. સારવાર માટે જ્યારે દર્દીના સ્વજનને પુછવામાં આવ્યુ હતું ત્યારે તે એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. સારવાર કરો એમ કહી બોલાચાલી કરવા લાગ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર અન્ય રેસિડેન્ટ ડોક્ટર રવિ ચૌધરી ત્યાં પહોંચ્યા હતા. તેમણે દર્દીના સ્વજનને સારવાર માટે કેટલીક માહિતી પુછવી જરુરી છે જેથી યોગ્ય સારવાર કરી શકાય એમ સ્વજનને કહ્યું હતું. ડોક્ટર રવિ ચૌધરી જે સમયે દર્દીના સ્વજનને સમજાવી રહ્યા હતા. એ સમય ત્યાં હાજર એક અન્ય એક વ્યક્તિ મોબાઈલમાં વીડિયો ઉતારી રહ્યો હતો. જેથી રવિ ચૌધરીએ તેને વીડિયો ઉતારવાની મનાઈ કરતા આ બાબતે ડોક્ટર અને દર્દીના પરિવારજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. ઝપાઝપી થતા એક વ્યક્તિએ ઉશ્કેરાઈને ડોક્ટરનું ગળું દબાવ્યું હતું. જો કે ત્યાં હાજર સિક્યુરિટીએ ડોક્ટરને છોડાવ્યા હતા. દર્દીના પરિવારજને ડોક્ટરને ધમકી આપતા કહ્યું હતુ કે, ‘તું મને ઓળખતો નથી. હું તને જોઈ લઈશ.’ રેસિડેન્ટ ડોક્ટરો ઈમરજન્સી સેવા છોડીને ચાલ્યા ગયા હતા. રેસિડેન્ટ ડોક્ટરો કામગીરીથી અળગા થતા હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિડેન્ડન્ટને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. મેડીકલ કોલેજના ડીન સહિતના અધિકારીઓને ઘટનાની જાણ કરવામાં આવતા તબીબોને સમજાવાયા હતા. એલ.જી.હોસ્પિટલમાં ઈમરજન્સી ટ્રોમા સેન્ટરની બહાર અને મુખ્ય દરવાજા પાસે સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવેલા છે. આ ઘટના બાદ ઈમરજન્સી ટ્રોમા સેન્ટરની અંદર પણ એક કે કે બે સિક્યુરિટી ગાર્ડ ફરજ ઉપર મુકવા હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા વિચારણા કરાઈ રહી છે. હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં સી.સી.ટી.વી. કેમેરા લાગેલા છે. ઉપરાંત હોસ્પિટલ સંકુલમાં પોલીસ ચોકી બનાવવા પણ મ્યુનિસિપલ તંત્ર સમક્ષ રજુઆત કરવામાં આવશે. 24 કલાક પોલીસની હાજરી હોય તો દર્દીના સ્વજનો અને ડોક્ટરો સાથે થતા ધર્ષણના બનાવો ટાળી શકાય.