ચોમાસાને કારણે રોગચાળો વકર્યો છે, તેમાં પણ મચ્છરજન્ય રોગોમાં ખૂબ જ વધારો થયો છે. લોકો બીમારીની સારવાર મેળવવા માટે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ એવી અસારવા સિવિલ હોસ્ટિલ સારવાર માટે જાય છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાંથી સારવાર મેળવવા જવું કે રોગચાળો લેવા જવું તે સવાલ મોટો છે. કારણ કે, OPDમાં જ્યાં રોજ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત દેશના અન્ય રાજ્યથી હજારો દર્દીઓ સારવાર મેળવે છે, ત્યાં જ બેઝમેન્ટમાં પાણી ભરાયાં છે અને મચ્છર થઈ રહ્યા છે, જેનો કોઈ નિકાલ સિવિલ હોસ્પિટલ તરફથી કરવામાં આવી રહ્યો નથી. ત્યારે અહીં આવનાર દર્દી ડેન્ગ્યુ, મલેરિયા અને અન્ય મચ્છરજન્ય રોગચાળાનો ભોગ બની શકે છે. અવારનવાર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ આસપાસ ભરાયેલા પાણીનો નિકાલ કરીને મચ્છરનો ઉપદ્રવ રોકવા સલાહ આપે છે ત્યારે અહીં દીવા તળે અંધારું હોય તેવો ઘાટ સર્જાયો છે અને હોસ્પિટલ જ બીમારીનું ઘર બની શકે છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યૂના 247 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મલેરિયાના પણ 121 કેસ નોંધાયા છે. લોકો સિવિલમાં બીમારી થતાં સારવાર મેળવવા માટે જાય છે, પરંતુ જ્યાં દર્દીઓની સારવાર કરવામાં આવે છે, તે સિવિલ હોસ્પિટલની OPDમાં આવેલા X-RAY વિભાગની બાજુમાં જ બેઝમેન્ટમાં વરસાદી અને ગંદા પાણી કેટલાય સમયથી ભરાયેલા છે. આ પાણીથી સિવિલ હોસ્પિટલ અજાણ છે કે, આંખ આડા કાન કરી રહી છે તે સવાલ છે. કારણ કે, વરસાદી પાણીનો નિકાલ ન થતાં મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે.