ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજા એન્ટ્રી કરી શકે છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે રાજ્યના 27 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. રાજ્યમાં વિવિધ સ્થળો પર વાદળછાયા વાતાવરણ સાથે ઝરમર વરસાદ જોવા મળી શકે છે.ઉત્તર ગુજરાતના છ જિલ્લામાં મધ્યમ વરસાદ વરસે તેવી સંભાવના છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના વિવિધ સ્થળે છૂટોછવાયો હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.મધ્ય ગુજરાતના આઠ જિલ્લા ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટા ઉદેપુરમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસવાની શક્યતા છે.કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને બોટાદમાં છૂટાછવાયા સ્થળો પર ઝરમર વરસાદ વરસે તેવી શક્યતા છે.
ગુજરાતમાં કેટલો વરસ્યો વરસાદ?
રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 125 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. સિઝનનો સૌથી વધુ વરસાદ કચ્છમાં 183.32 ટકા વરસ્યો છે. તેમજ સૌરાષ્ટ્રમાં સિઝનનો 129.74 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 129.37 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 121.11 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તેમજ ઉત્તર ગુજરાતમાં 107.66 ટકા વરસાદ વરસ્યો છે.