ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના લીધે હજુ પણ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વધતા જતા ચાંદીપુરા વાયરસના પ્રકોપે તંત્રની ચિંતા વધારી દીધી છે. હાલમાં મળતી માહિતી મુજબ મહેસાણામાં બે બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ મળી આવ્યા હતા જેમાંથી એક બાળકની સારવાર અમદાવાદ ખાતે ચાલી રહી હતી. જેનું મોત શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ડોક્ટરોએ બાળકના સેમ્પલ પૂણે મોકલી મોકલી દીધા છે જેનો રિપોર્ટ એક અઠવાડિયામાં આવી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં 15થી વધુ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ મળી આવ્યા છે જેમાંથી 9ના મોત થયા છે. ચાંદીપુરા વાઈરસ વેકટર -અસરગ્રસ્ત સેન્ડ ફ્લાય (રેત માખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે. હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો અને ખેંચ આવવી એ આ રોગના મુખ્ય લક્ષણો છે.
આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લો એવી પણ રાજ્ય સરકારે સલાહ આપી છે. ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે. માથું દુ:ખવું, આંખો લાલ થઈ જાય, અશક્તિ જેવું લાગવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા આ વાયરસના મુખ્ય લક્ષણ છે. આ વાયરસ મચ્છર, લોહી ચુસનાર જંતુ અને સેન્ડફ્લાય જેવા વેક્ટર્સથી ફેલાય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા ગામના સાત વર્ષના એક બાળકને તાવ, ખેંચ સાથે મગજના તાવની અસર જણાતા ચાંદીપુરા વાયરસની તપાસ અર્થે બાળકનું સેમ્પલ પુનેની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યું છે. જે અનુસંધાને દહેગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાલુન્દ્રાની ટીમ દ્વારા કેસની વિગતો તપાસ કરવામાં આવી છે અને રોગ અટકાયત માટેના પગલાં હાથ ધરવામાં આવ્યું છે.ચાંદીપુરા રોગ ચેપી નથી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઇ હતી. પરિણામે અત્યાર સુધી કુલ 4487 ઘરોમાં કુલ 18646 વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કરાયું છે. સેન્ડ ફ્લાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે. રાજ્ય આરોગ્ય વિભાગ અગમચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે. અત્યારે લોકોએ આ રોગથી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી જરૂર રાખવાની જોઇએ. પ્રાથમિક લક્ષણો જણાઇ આવે તો નજીકના હોસ્પિટલમાં તપાસ અને સારવાર કરાવવી જોઇએ. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1965માં મહારાષ્ટ્ર રાજ્યમાં ચાંદીપુરા જિલ્લામાં નોંધાયો હતો. ત્યારબાદ આંધ્રપ્રદેશ અને ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં પણ આ રોગના દર્દીઓ નોંદાયા. ગુજરાતમાં દર વર્ષે આ રોગના કેસ જોવા મળે છે. ખાસ કરીને ઉત્તર-મધ્ય ગુજરાતના જિલ્લામાં આ રોગના કેસ નોંધાયા છે.