અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલાં કાફે, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટની ખાણીપીણીની ચીજવસ્તુમાંથી જીવાત નીકળવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. શહેરના એસજી હાઈવે પર રાજપથ-રંગોલી રોડ પર આવેલા એક કાફેના બર્ગરમાંથી જીવજંતુ નીકળ્યું છે. જ્યારે ગ્રાહકે બર્ગરનો એક ભાગ ખાધો અને પછી જોયું તો તેમને નાની કોઈ કાળી વસ્તુ દેખાઇ હતી. આથી જોતા જીવજંતુ નીકળ્યું હતું. બર્ગરમાંથી જીવજંતુ નીકળ્યાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો. AMCના ફૂડ વિભાગની ટીમને જાણ થતાં તેઓએ તાત્કાલિક ટીમ મોકલી તપાસ શરૂ કરી છે.
મેં કાફેવાળાને જીવાત દેખાડી
અલમાસ પઠાણ નામના યુવકે જણાવ્યું હતું કે, સ્પાઈન હોસ્પિટલમાં નોકરી કરું છું. રાજપથ-રંગોલી રોડ પર આવેલા કોર્પોરેટ કેફેમાંથી ચાર આલુ બર્ગર ટીક્કી મગાવી હતી. જેમાં એકમાંથી બહાર થોડી જીવાત જેવું જોવા મળ્યું હતું. જેથી અંદર ખોલી અને જોયું તો તેઓને જીવાત જોવા મળી હતી. જીવાત નીકળી હોવાથી ત્યાં કેફેવાળા પાસે ગયા હતા અને તેઓને જીવાત નીકળેલી બતાવી હતી.
આથી તેઓએ કહ્યું હતું કે, જેણે આ બર્ગર ટીક્કી બનાવી છે તેને અમે કાઢી મૂકીશું અને તમારે આગળની જે કાર્યવાહી કરવી હોય તે કરો. એસજી હાઈવે પર આવેલા કોર્પોરેટ કાફેમાં આલુ બર્ગર ટીક્કીમાંથી જીવાત નીકળી હોવા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમને જાણ થતાં એક ટીમ તાત્કાલિક કોર્પોરેટ કાફે ખાતે ચેકિંગ માટે મોકલવામાં આવી છે. કાફેમાં તપાસ કરી ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.