નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુક્રેનની મુલાકાત ઉપર દુનિયા આખી વિશેષતઃ અમેરિકા સહિત પશ્ચિમના દેશો નજર માંડી રહ્યા છે. તા. ૨૧ થી ૨૩ વચ્ચે તેઓ પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત છે. પોલેન્ડનાં પાટનગર વોર્સોથી યુક્રેનનાં પાટનગર કીવ સુધી તેઓ લકઝરી પરંતુ સંપૂર્ણ સુરક્ષિત તેવી ટ્રેન દ્વારા મુસાફરી કરવાના છે. આ ટ્રેન ફોર્સ વન તરીકે ઓળખાય છે.આ ટ્રેન દ્વારા જ વિશ્વના અનેક નેતાઓ, જો બાયડેન, ફ્રાંસના પ્રમુખ મૈંક્રો અને જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્જે મુસાફરી કરી હતી. તેનું કારણ તે છે કે અમારે ત્યાં ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. હવાઈ હુમલાઓ અને મિસાઇલ હુમલાઓ થઇ રહ્યા છે. તેની સામે પણ ટકી શકે તેવી આ ટ્રેન છે. સાથે તેમાં મહાનુભાવો માટે પણ પૂરતી સગવડ છે. આરામ માટેની પણ તમામ વ્યવસ્થા છે. ટ્રેનનું ઇંટીરીયર પણ ખૂબ જ સારી રીતે ડીઝાઈન કરેલું છે.જો બાયડેન પણ આ ટ્રેન દ્વારા જ કીવ પહોંચ્યા હતા. કુલ ૨૦ કલાકની મુસાફરી કર્યા પછી તેઓએ તે ટ્રેન સેવાની પ્રશંસા કરી હતી. પહેલાં તો આ ટ્રેન પર્યટકોને ક્રીમીયા જવા માટે બનાવાઈ હતી. ૨૦૧૪માં રશિયાએ ક્રીમીયા ઉપર કબજો જમાવ્યા પછી તેનો અલગ ઉપયોગ થવા લાગ્યો.
રશિયાની મુલાકાત પછી મોદીની યુક્રેનની મુલાકાત સંતુલન કરનારી બની રહેવાની છે. તેઓ આ વિવાદનો સમાધાનકારી માર્ગ શોધવા સતત પ્રયત્નો કરી રહ્યા છે. આથી મોદીની યુક્રેન મુલાકાતને ઐતિહાસિક માનવામાં આવે છે.વિદેશ મંત્રાલય જણાવે છે કે ૨૧મીએ પોલેન્ડમાં મંત્રણા કર્યા પછી ૨૨ ઓગસ્ટે તેઓ યુક્રેન જવા રવાના થશે. યુક્રેનમાં તેઓ ૭ કલાક જેટલું જ રોકાવાના છે. પરંતુ તે દરમિયાન તેઓ મહત્વની ચર્ચા કરશે અને આ યુદ્ધમાંથી ઉકેલ શોધવા પ્રયત્ન કરશે. તે પછી પાછા વોર્સો જશે ત્યાંથી ભારત પરત આવશે. આટલી ટૂંકી મુલાકાતમાં પણ તેઓ યુદ્ધ બંધ કરાવવા બનતા પ્રયત્નો કરશે.