રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસની ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પિટિશન પર શુક્રવારે (બીજી ઓગસ્ટ) સુનાવણી થઈ હતી. જેમાં એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરાયેલી અરજીની રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ગેમ ઝોન, રાઇડ્સ-ફન પાર્કના કાયદાકીય નિયંત્રણ અને નિયમોના પાલન માટે નવા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. તે 15 દિવસમાં જાહેર કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારની આ રજૂઆત ધ્યાનમાં લીધા બાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે મહત્ત્વપૂર્ણ આદેશ કર્યો હતો. જેમાં નિયમો નોટિફાઇ કરવા માટે બે અઠવાડિયા અને તેની કમિટીની રચના કરવા માટે એક અઠવાડિયાનો સમય આપી કુલ ત્રણ અઠવાડિયામાં આ બાબતનું પાલન કહ્યું હતું. ચીફ જસ્ટિસે મહત્ત્વની ટકોર કરી હતી કે, ‘જે ગેમ ઝોનના સંચાલકો પાસે લાઇસન્સ હોય તેમણે તે લોકોને દેખાય તે રીતે જાહેરમાં પ્રદર્શિત કરવાના રહેશે. ખરેખર તો, સરકારે આ નિયમો પહેલા બનાવવાની જરૂર હતી.’