Nitin Gadkari warns Punjab CM: પંજાબમાં અવારનવાર આતંકી હુમલાથી લઈને ડ્રગ્સ-નશીલા પદાર્થોનો મોટો જથ્થો પકડાવવાની ઘટનાઓ બનતી રહેતી હોય છે. આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારો અનેક પ્રયાસો કરે છે, તકેદારી રાખે છે પરંતુ અવારનવાર આ બધુ થતું રહેતું હોય છે. જોકે કેન્દ્રીય રાજમાર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પંજાબના મુખ્યમંત્રીને અન્ય એક બાબતે ચેતવણી આપી છે.ગડકરીએ પંજાબના મુખ્યમંત્રીને ચેતવણી આપતો એક પત્ર લખ્યો છે. ગડકરીએ કહ્યું છે કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી નથી. સ્ટેટ અને નેશનલ હાઈવે પર બની રહેલ હિંસક ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રીએ આ ચેતવણી પત્ર લખ્યો છે. અત્રે નોંધનીય છે કે દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વેના નિર્માણ દરમિયાન કામ રોકવા માટે ઘણી જગ્યાએ હિંસક ઘટનાઓ જોવા મળી હતી. રાજધાની દિલ્હીથી માતા વૈષ્ણોદેવી કટરા સુધી આ એક્સપ્રેસ વે બનાવવામાં આવી રહ્યો છે. તેનો એક ભાગ અમૃતસર સાથે પણ જોડવાનો છે. નીતિન ગડકરીએ એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો પર થયેલા હુમલા અંગે નારાજગી વ્યક્ત કરી છે. લુધિયાણામાં પણ NHAI અધિકારીઓને આ પ્રોજેક્ટમાં રોકાયેલા સ્ટાફને નુકસાન પહોંચાડવાની ધમકી આપી છે.ગડકરી પત્રમાં ખુલ્લી ચેતવણી આપી છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નહિ સુધારવામાં આવે તો NHAI આઠ હાઇવે પ્રોજેક્ટ્સ રદ કરશે. પંજાબમાં દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વે ભારે હિંસા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ આઠ પ્રોજેક્ટની કુલ કિંમત 14288 કરોડ રૂપિયા છે.