અમદાવાદ : એન.કે. પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડે (તિરૂપતિ એડિબલ ઓઇલ્સ) જાહેર કર્યું હતું કે તે ગુજરાતમાં એરંડાની ખેતી કરતાં 20,000 ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણો અને ઓર્ગેનિક ખાતર પૂરા પાડીને તેમને મદદ કરશે. આ પહેલનો ઉદ્દેશ ગુજરાતના વિવિધ જિલ્લામાં એરંડા જેવાં મહત્વના પાકની ઉપજ અને નફાકારકતા વધારવાનો છે. વધુ સારા ઇનપુટ પૂરા પાડીને એન.કે. પ્રોટીન્સ ખેડૂતોને સશક્ત બનાવવા તથા ટકાઉ ખેત પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.
આ પહેલના ભાગરૂપે ખેડૂતોને એરંડાની ડી-ઓઇલ્ડ કેક (ડીઓસી) (ખોળ) અને હાઇ-પ્રોટીન ડીઓસી મળશે, જે એરંડાના તેલની બાય પ્રોડક્ટ છે તથા તેનો ઉપયોગ ઓર્ગેનિક ખાતર તરીકે કરી શકાય છે. કંપની ખેડૂતોને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર (એલએફઓએમ) પૂરા પાડવાની પણ યોજના ધરાવે છે. કેસ્ટર ડીઓસી અને એલએફઓએમ જમીનનું માળખું સુધારે છે, પાણી જાળવવાનું પ્રમાણ વધારે છે અને માઇક્રોબાયલ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે, જે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા જાળવવા માટે જરૂરી છે. તે જમીનનું ધોવાણ પણ ઘટાડે છે અને જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મો વધારે છે જેનાથી વધુ સારી પાકની ઉપજ તથા ગુણવત્તા મળે છે.
એન.કે. પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડે ગાંધીનગર ખાતે 20 સપ્ટેમ્બરથી શરૂ થયેલાં ત્રણ-દિવસીય એગ્રી એશિયા 2024માં ભાગ લીધો છે. આ એક્ઝિબિશન દરમિયાન માહિતી આપતાં કંપનીની આ પહેલના પ્રવક્તા ડો. ભરત પટેલે જણાવ્યું હતું કે “અમે એરંડાના ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણો તથા ઓર્ગેનિક ખાતર પૂરા પાડીને તેમને વધુ ઉપજ મેળવવા અને નફાકારકતા વધારવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. જમીનના આરોગ્યમાં વધારો કરીને અને ખેડૂતોને વધુ સારા સંસાધનો સુલભ બનાવવાથી ઉત્પાદકતા તથા આવક બંનેમાં નોંધપાત્ર વધારો થાય છે. અમારો લાંબા ગાળાનો ઉદ્દેશ ગુજરાતના કૃષિ સમુદાયમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો અને વ્યાપક કૃષિ-ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે.”