Suspicious Ghee Caught: દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. લોકો ઘરે વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગી બનાવશે તેમજ મીઠાઈઓ ખાઈને તહેવારનો આનંદ માણશે. પરંતુ, ભેળસેળિયાઓ અત્યારથી જ તહેવારના રંગમાં ભંગ પાડવા લાગ્યા છે. જેને લઈને ફૂડ વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે. દિવાળીને ધ્યાને લઈ ફૂડ વિભાગ દ્વારા વિવિધ જગ્યાએથી ખાદ્ય સામગ્રીના સેમ્પલ એકત્રિત કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ફક્ત ઉત્તર ગુજરાતમાંથી જ ત્રીજીવાર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે.
703 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
તંત્રએ બનાસકાંઠામાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બનાસકાંઠાના ધાનેરામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 703 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી નમૂના લેબમાં મોકલવામાં આવ્યા હતાં. જેમાં પ્રતિષ્ઠિત ઘીના બ્રાન્ડ ‘સાગર’નું લેબલ લગાવીને ઘી વેચતા હોવાનું સામે આવ્યું છે. ફૂડ વિભાગે કાર્યવાહી કરીને 703 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે અને 91 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફૂડ એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટે 15 કિલોના 33 ડબ્બા જપ્ત કર્યાં છે, આ સિવાય 91 હજારનો મુદ્દામાલ પણ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉત્તર ગુજરાતમાં ભેળસેળિયાનો આતંક
હજુ થોડા દિવસ પહેલાં જ પાટણમાં ઘી બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને 14 લાખનું શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઉપરાંત કડીમાં પણ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હતો. કડીના જીઆઈડીસીમાં પાંચ જેટલા ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એલસીબીની ટીમે દરોડા પાડીને નકલી ઘીનો કારોબાર ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ પામઓઇલ, ફોરેન ફેટ મિક્ષ કરીને નકલી ઘી બનાવવામાં આવતું હતું. પોલીસે 297 કિલો લુઝ ઘી, 4979 કિલો લુઝ પામઓઈલ, 8036 કિલો રિફાઇન પામઓઈલ અને 5798 કિલો ફોરેન ફેટનો જથ્થો સ્થળ પર સિઝ કર્યો હતો.