મેડિકલમાં MBBSના અભ્યાસ માટેની ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને આજે રાજ્યભરમાં તબીબી, મેડિકલના વિદ્યાર્થીઓ અને વાલીઓ રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તબીબોનું કહેવું છે કે ફી વધારો એટલો થયો છે કે, હવે પૈસાદાર વિદ્યાર્થીઓ હોય તે જ વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરી શકશે. જ્યારે એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે, આ લોકો બિઝનેસ કરી રહ્યા છે. એક કરોડ ફી થઈ જશે.
થોડા સમય અગાઉ જ મેડિકલમાં MBBSની ફીમાં વધારો વધારો કરવામાં આવ્યો છે. લગભગ 80 ટકા જેટલી ફીમાં વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવાનું બાકી છે ત્યાં ફી વધારો કરવામાં આવ્યો છે. GMERS દ્વારા એક વર્ષની ફીમાં સરકારી ક્વોટાની ફીમાં 3.50 લાખથી વધારી 5.50 લાખ કરવામાં આવી છે. મેનેજમેન્ટ ક્વોટાની ફી 9 લાખથી વધારીને 17 લાખ કરવામાં આવી છે. આ અંગે અમદાવાદમાં વાલીઓએ અને તબીબોએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી.
ફીમાં 80 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો
અમદાવાદના વાલીમંડળના સભ્યએ જણાવ્યું હતું કે, ફીમાં 80 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. અચાનક જ આ પ્રકારની ફી વધારવામાં આવી છે તો વિદ્યાર્થીઓ કેવી રીતે અભ્યાસ કરી શકશે અને આજે કલેક્ટરને રજૂઆત કરી છે. ત્યારબાદ ધારાસભ્યો અને સાંસદસભ્યોને રજૂઆત કરીશું. અમારી એક જ માગ છે કે ફી ઘટાડવામાં આવે.
સુરતમાં પણ વાલીઓ અને વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો
રાજ્ય સરકાર દ્વારા GMERS કોલેજોમાં થયેલ અસહ્ય ફી વધારાને કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે MBBSનો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેનો સુરતમાં પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ વિરોધ કરી રહ્યા છે. આ મામલે વિદ્યાર્થીઓ અને વાલીઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરવાની સાથે જણાવ્યું હતું કે, હાલ મકાન કે પ્રોપર્ટી વેચીને બાળકોને ભણાવવાનો વારો આવ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ કલેક્ટરને પણ રજૂઆત કરવા માટે સુરત કચેરી પહોંચ્યા હતા.
GMERSની 13 મેડિકલ કોલેજોની સાથે સાથે સુરત સહિત રાજ્યની મેડિકલ કોલેજોની ખાનગી, મેનેજમેન્ટ ક્વોટા અને NRI ક્વોટાની બેઠકોની ફીમાં તોતિંગ વધારો કરી દેવાયો છે. મેડિકલ કોલેજોમાં ખાનગી બેઠકોની એક વર્ષની ફી રૂ.3.30 લાખથી વધારી રૂ. 5.50 લાખ કરાઈ છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની એક વર્ષની ફી રૂ. 9.07 લાખથી વધારી રૂ. 17 લાખ અને NRI ક્વોટાની એક વર્ષની ફી રૂ. 22 હજાર યુએસ ડોલરથી વધારી રૂ. 25 હજાર યુએસ ડોલર કરાઈ છે. આમ, ખાનગી બેઠકોની ફીમાં 67%, મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોની ફીમાં 87% અને NRI ક્વોટાની બેઠકોની ફીમાં 14% સુધીનો વધારો કરાયો છે.
મુખ્યમંત્રીને પત્ર
એક તો આ વર્ષ દરમિયાન NEETની પરીક્ષામાં થયેલ ગેરરીતિઓને કારણે જે કટ ઓફ મેરીટ ઘણું ઉંચુ ગયુ છે એનો ન્યાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી. ત્યાં આ ફી વધારો જખમ પર નમકનું કામ કરે છે. સુરતના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુરતના વાલીઓ અને વિદ્યાર્થીઓએ પત્ર લખી પીએમ ઓછું કરવા માગ કરી છે. સાથે પોતાની મુશ્કેલીઓ અને મોંઘવારીમાં આટલી ફી કઈ રીતે ભરી શકાય તે અંગે પણ રજૂઆત કરી છે.
તો પ્રોપર્ટી વેચવી પડશે
વાલી ગિરીશભાઈએ જણાવ્યું હતું કે,જે રીતે ફીમાં વધારો થયો છે તેના કારણે પ્રોપર્ટી વેચવાની નોબત આવી છે. તોતિંગ ફી વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટરનું સ્વપ્ન પૂર્ણ જ ન થશે. જો એક જ પરિવારના બે બાળક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરનારા હોય તો તે વાલીની આર્થિક સ્થિતિની શું દશા થશે તે વિચારી શકાય તેમ નથી. ફી વધારા સાથે વાલીની વાર્ષિક આવકને ધ્યાને લીધા વિના જ સરકાર તરફથી ઓચિંતો ફી વધારો કરી દેવાયો છે. જેથી અમારી એવી માગ છે કે, ગુજરાત સરકાર તાકીદે ફી વધારો પરત ખેંચે અને ગત વર્ષે જેટલી જ ફી રાખવામાં આવી હતી તેટલી રાખવામાં આવે તેવી માગ છે. પાંચ વર્ષની ફી 1 કરોડ થઈ જશે.
અમદાવાદમાં વાલીઓએ ફીને લઈ વિરોધ નોંધાવ્યો
અમદાવાદમાં વાલીઓએ ફીને લઈ વિરોધ નોંધાવ્યો
મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ડોક્ટર નહીં બની શકે
વાલી જિજ્ઞાબેન જણાવ્યું હતું કે, એક તો આજના સમય પ્રમાણે ડોક્ટરોની માગ વધી છે. ત્યારે સરકાર સરકારી સીટ વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માગે છે કે, ડોક્ટર બનવાનો હક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી. પરંતુ અમીરો માટે છે. અમારી નમ્ર અપીલ છે કે, ગરીબો અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ ડોક્ટર બની શકે અને સમાજને તંદુરસ્ત બનાવવાની પોતાની ફરજ અદા કરી શકે તે માટે રજૂઆત કરીએ છીએ કે, આ તોંતિગ ફી વધારો રદ કરો અને ગયા વર્ષ જેટલી જ ફી રાખો.
આ લોકો બિઝનેસ કરે છે
વિદ્યાર્થી મહેકે જણાવ્યું હતું કે, મારો સ્કોર 4.75 છે. અત્યારે જે રીતે ફી વધારવામાં આવી છે. એના કારણે પાંચ વર્ષનો કોર્સ એક કરોડ રૂપિયાનો થઈ જશે. GMERSમાં પહેલા 170 સીટ હતી જે 150 કરી દેવામાં આવી છે. 20 સીટ મેનેજમેન્ટ ક્વોટાને આપવામાં આવી છે. આ લોકો બિઝનેસ કરે છે. બે વર્ષની જે અમારી મહેનત છે જે અમારું સપનું છે તે અત્યારે કશું દેખાતું નથી. આટલી મહેનત કરી પરંતુ જે કોલેજમાં એડમિશન લેવાનું હતું ત્યાં મળશે તે લાગતું નથી.
અમારા માટે મુશ્કેલી વધી
અન્ય વિદ્યાર્થી ઋષિ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, હું નીટની કેન્ડિડેટ છું. મારો સ્કોર 505 છે. મને પ્રાઈવેટ કોલેજમાં એડમિશન મળી જાય. છેલ્લા વર્ષના કટ ઓફ પ્રમાણે પણ અત્યારે જ સમસ્યા છે કે, જેટલી જીમેશની ફી છે જે અંદાજે સાડા ત્રણ લાખ હતી તે સાડા પાંચ લાખ કરી દેવામાં આવી છે. પ્રાઈવેટ કોલેજની ફી પણ વધારી દેવામાં આવશે. જે વિદ્યાર્થી અને વાલીઓ માટે ખૂબ જ સમસ્યારૂપ છે. હજુ એમડી અને એમએસ કોર્સ બાકી છે.
સુરતમાં વિદ્યાર્થીઓ ફી વધારાને લઈને મુંઝવણમાં મૂકાયા
સુરતમાં વિદ્યાર્થીઓ ફી વધારાને લઈને મુંઝવણમાં મૂકાયા
ફી વધારો પાછો ખેંચવા માગ
તબીબ બનવું પહેલેથી ખૂબ મોંઘું હતું. જ્યારે હવે ગુજરાતમાં GMERS સંચાલિત મેડિકલ કોલેજમાં ફી વધારો કરવામાં આવતા સામાન્ય સ્થિતિ ધરાવતા પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે તબીબ બનવું સપનું બની જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. કારણ કે ગત સપ્તાહમાં GMERS દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે વિવિધ ક્વોટામાં ફી વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તોતીંગ ફી વધારાને રદબાતલ કરવા માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત શાખા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માગ કરવામાં આવી છે.
એઇમ્સ હોસ્પિટલ શરૂ કરવામાં આવી
ગુજરાત રાજ્યમાં સ્વાસ્થ્ય બાબતે પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે તથા રાજ્યમાં અનેક નવી અત્યાધુનિક ટેક્નોલોજી ધરાવતા મશીન પણ લાવવામાં આવ્યા છે. આ ઉપરાંત હોસ્પિટલને આધુનિક મશીનથી સુસજ્જ કરવામાં આવ્યા છે તથા રાજકોટમાં પણ એઇમ્સ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. આવી અનેક જાહેર અને ખાનગી હોસ્પિટલમાં તબીબોની જરૂર પડતી હોય છે. તેવામાં વિદ્યાર્થીઓ તબીબ બનવા માટે અભ્યાસ કરવા અસમર્થ બન્યા છે. કારણ કે GMERS દ્વારા એમબીબીએસ અભ્યાસ માટે તોતિંગ ફી વધારો કર્યો છે. GMERS દ્વારા 28 જૂન 2024ના દિવસે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં તબીબી સ્નાતક અભ્યાસક્રમમાં શૈક્ષણિક વર્ષ 2024-25 માટે સરકારી, સેલ્ફ ફાઇનાન્સ, મેનેજમેન્ટ ક્વોટા અને NRI ક્વોટા માટે વાર્ષિક ફીના ધોરણોમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે.
ગત વર્ષે ફી વધારો પાછો ખેંચ્યો હતો
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે GMERS દ્વારા MBBS અભ્યાસક્રમ માટે શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ફી વધારો કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ વાલીઓ અને વિદ્યાર્થીઓના અનુરોધ પછી ફી વધારો પાછો ખેંચવામાં આવ્યો હતો. પરંતુ હવે આ શૈક્ષણિક વર્ષથી તોતિંગ ફી વધારો કરવામાં આવતા સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે ઇન્ડિયન મેડિકલ અસોસિએશન ગુજરાત બ્રાન્ચ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને ફી વધારો પાછો ખેંચવા માગ કરવામાં આવી છે.