Independence Day: આપણા દેશને 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી, ત્યારથી દર વર્ષે આ દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે સ્વતંત્રતાની ઉજવણી કરનાર ભારત એકમાત્ર દેશ નથી, પરંતુ અન્ય 4 દેશ છે. જેઓ આ દિવસે આઝાદ થયા હતા.
આ દેશોને પણ મળી હતી આઝાદી
15 ઓગસ્ટના રોજ ભારતની સાથે અન્ય ચાર દેશોને આઝાદી મળી હતી. જેમાં બહરીન, નોર્થ અને સાઉથ કોરિયા, લિક્ટેનસ્ટેઈન અને રિપબ્લિક ઓફ કોંગો સામેલ છે.
કોંગો :
કોંગો એ આફ્રિકન મહાદ્વીપની વચ્ચે આવેલો લોકતાંત્રિક દેશ છે. ભારતની આઝાદીના 13 વર્ષ બાદ 15 ઓગસ્ટ 1960ના રોજ આ દેશને આઝાદી મળી હતી. જે પહેલા 1880થી આઝાદી સુધી આ જગ્યા પર ફ્રાન્સનો કબજો હતો. કોંગો વિસ્તારની દ્રષ્ટિએ આફ્રિકન મહાદ્વીપનો ત્રીજો સૌથી મોટો દેશ છે.
બહેરીન :
15 ઓગસ્ટ 1971ના રોજ બહેરીન પર બ્રિટિશ વસાહતી શાસનનો અંત આવ્યો. ભારતને આઝાદી મળ્યાના બે દાયકાથી વધુ સમય પછી, બહેરીને તેની સ્વતંત્રતાની ઘોષણા કરી હતી. જો કે આ દેશ આ દિવસે પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવતો નથી. 15 ઓગસ્ટને બદલે, 16 ડિસેમ્બરને આ દેશમાં રાષ્ટ્રીય સ્વતંત્રા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા :
દર વર્ષે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા બંનેમાં 15 ઓગસ્ટને રાષ્ટ્રીય મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હકીકતમાં, આ દિવસે, બીજા વિશ્વ યુદ્ધ પછી કોરિયા પર 35 વર્ષનો જાપાની કબજો અને સંસ્થાનવાદી શાસન સમાપ્ત થયું. આઝાદીના ત્રણ વર્ષ પછી, કોરિયા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયામાં વહેંચાયેલું હતું. હવે આ બે દેશ બની ગયા છે જે અલગ-અલગ સ્વતંત્રતાની ઉજવણી કરે છે.
લિક્ટેસ્ટીન :
લિક્ટેસ્ટીન દુનિયાનો છઠ્ઠો સૌથી નાનો દેશ છે. આ દેશ 1866માં જર્મન શાસનથી સ્વતંત્ર થયો હતો. આ દેશ 1940 થી 15 ઓગસ્ટને તેના રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવે છે. 5 ઓગસ્ટ, 1940ના રોજ, લિક્ટેસ્ટીન સરકારે સત્તાવાર રીતે 15 ઓગસ્ટને રાષ્ટ્રીય રજા જાહેર કરી દીધી છે. લિક્ટેસ્ટીનમાં પણ 15 ઓગસ્ટને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.