ગાંધીનગર : ગુજરાતના કર્મચારીઓએ જૂની માગણીઓ સંદર્ભે આંદોલનના કાર્યક્રમો જાહેર કર્યા છે ત્યારે ભીંસમાં આવી ગયેલી સત્તાધારી ભાજપની સરકારે કર્મચારી મંડળો સાથે સમધાનના પ્રયાસો શરૂ કર્યા છે. વિવિધ કર્મચારી મંડળો સાથે સરકારે મંત્રણા શરૂ કરી છે.ખાસ કરીને વડાપ્રધાન મોદી 16 અને 17 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે કર્મચારીઓના વિરોધ પ્રદર્શનથી સરકારને ડર લાગી રહ્યો છે. કેટલાક કર્મચારી આગેવાનો આજે સચિવાલયમાં પાંચ મંત્રીઓની બનેલી કમિટી સમક્ષ રજૂઆત માટે ગયા હતા પરંતુ તેમાં કર્મચારીઓના પ્રશ્નો અંગે કોઇ નિરાકરણ આવી શક્યું નથી. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા 2022માં કર્મચારી મંડળો સાથે સરકારે સમાધાન કર્યું હતું અને પડતર પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી પરંતુ સરકાર તરફથી કોઇ હકારાત્મક પ્રતિભાવ નહીં મળતાં કર્મચારી મંડળોએ આંદોલનના કાર્યક્રમો આપ્યાં છે.રાજ્યના કર્મચારીઓની મુખ્ય માગણી જૂની પેન્શન યોજના શરૂ કરવાની છે. એ ઉપરાંત રહેમરાહે નોકરીની બંધ થયેલી પ્રથા શરૂ કરવા, કર્મચારીની 50 વર્ષની વય પછી ખાતાકીય પરીક્ષામાં મુક્તિ, પગારધોરણોની વિસંગતતા દૂર કરવી, નિવૃત્તિ વય 60 વર્ષ કરવા, નિવૃત્તિ પછી પુનઃ નિમણૂકો બંધ કરવી, રાહત દરના પ્લોટ આપવા સહિત કુલ 15 પ્રશ્નો પડતર છે.