૭ થી ૧૭ સપ્ટેમ્બર સુધી અમદાવાદમાં ગણેશ મહોત્સવ પ્રસંગે વિવિધ મંડળ,સંસ્થાઓ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરાયુ છે. સાત ઝોનમાં ગણેશ મૂર્તિના વિસર્જન માટે રુપિયા ૮૦ લાખના ખર્ચે વિવિધ વોર્ડ વિસ્તારમાં ૫૧ વિસર્જન કુંડ મ્યુનિ.તંત્ર તરફથી તૈયાર કરાયા છે. ઉપરાંત સાત જેટલા સ્ટેજ ઉભા કરવામાં આવશે.ઈકોફ્રેન્ડલી ગણેશોત્સવ પ્રોત્સાહન સ્પર્ધા યોજાશે.અમદાવાદમાં ગણેશ વિસર્જનના દિવસને લઈ મ્યુનિસિપલ તંત્ર તરફથી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યુ છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,ગણેશ વિસર્જનના દિવસે ફાયર વિભાગ ઉપરાંત ક્રેઈનની સુવિધા ,પીવાના પાણી સહિતની અન્ય સુવિધા મ્યુનિસિપલ તંત્ર તરફથી પુરી પાડવામાં આવશે.મ્યુનિ.તંત્ર તરફથી લોકમાન્ય તિલક ટ્રોફી એનાયત કરવા સ્પર્ધાનુ આયોજન કરવામાં આવશે.પ્રથમ વિજેતાને રુપિયા ૫૧ હજાર,દ્વીતીય વિજેતાને રુપિયા ૩૧ હજાર તથા તૃતીય વિજેતાને રુપિયા ૨૧ હજાર પ્રોત્સાહક પુરસ્કાર આપવામા આવશે.વિવિધ દિવસોએ ગણેશ મૂર્તિનુ ભાવિકો દ્વારા વિસર્જન કરવામા આવતુ હોવાથી રિવરફ્રન્ટ ખાતે ફાયર વિભાગનો જરુરી બંદોબસ્ત ગોઠવવામાં આવશે.