T20 World Cup 2024: 29 જૂન 2024 એ તારીખ છે જેને હવે ઈતિહાસમાં યાદ રાખવામાં આવશે. તારીખની સાથે-સાથે કોચ, કેપ્ટન અને ભારતીય ટીમની એ સુપર-11 યાદ રાખવામાં આવશે જેણે 13 વર્ષ બાદ વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચી દીધો. રોહિત શર્મા, વિરાટ કોહલી અને હેડ કોચ રાહુલ દ્રવિડ માટે આ ભાવુક કરનારી ક્ષણ સાબિત થઈ. 6 મહિનામાં ત્રણેય દિગ્ગજોએ આંસુનો સ્વાદ બદલી નાખ્યો. વર્લ્ડ કપ 2023ની ફાRનલમાં ટીમ ઈન્ડિયાની હારથી દ્રવિડ તૂટી ગયો હતો. પરંતુ 2007ના વર્લ્ડ કપમાં ભાંગી પડેલી દ્રવિડની થાકેલી આંખોને 17 વર્ષ બાદ રાહત મળી. આ બધું એક ફોન કોલના કારણે શક્ય બન્યું જેનું રહસ્ય હવે ખુલી ગયું છે.
દ્રવિડનો કાર્યકાળ થયો સમાપ્ત
રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે સતત 10 મેચ જીતી હતી પરંતુ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ફરી એક વખત દ્રવિડનું સપનું રોળાયું હતું. આ વર્લ્ડ કપ બાદ હેડ કોચનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો પરંતુ BCCIએ દ્રવિડને T20 વર્લ્ડ કપ 2024 સુધી રાખવાનો પ્લાન બનાવ્યો હતો. આ સાથે જ રોહિત શર્મા અને વિરાટ કોહલીની પણ 2022 બાદ T20માં વાપસી થઈ હતી. દ્રવિડ પોતાના કાર્યકાળને લંબાવવા નહોતો માગતો. પરંતુ રોહિત અને જય શાહે તેને પોતાનો કાર્યકાળ આગળ લંબાવવા માટે સમજાવ્યો.