વડોદરા : વડોદરા શહેરમાં બુધવારે (25મી સપ્ટેમ્બર) 110 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. આ વાવાઝોડાને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં 300થી વધુ વૃક્ષો ધરાશાયી છે. જેના કારણે 50થી વધુ વાહનો દબાયા છે. ફાયર વિભાગની ટીમ ગઈકાલ સાંજથી રસ્તા પડી ગયેલા ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરી છે.
વૃક્ષ પડતા આધેડનું મોત :
વડોદરા શહેરની સાથે જિલ્લાના અનેક વિસ્તારમાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે. ઝાડ નીચે દબાઈ જવાથી પાદરા તાલુકાના પીપળી ગામના કિરણસિંહ રાઠોડનું મૃત્યું નિપજ્યું છે. 50 વર્ષીય કિરણસિંહ પાદરાથી પોતાનું બાઈક લઈને પોતાના ઘેરે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં નીલગીરીનું ઝાડ તેમના ઉપર પડતાં માથામાં ગંભીર ઈજા થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.વડોદરામાં વાવાઝોડા સાથે તૂટી પડેલા ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થવાની સાથે પશુઓ દબાયાની પણ ઘટનાઓ બની. ગાજરાવાડી વિસ્તારમાં વૃક્ષો નીચે ઘોડા દબાતા હતા જેમનું ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું હતું. જ્યારે કિશનવાડી વિસ્તારમાં એક મકાન નજીક બકરાં દબાતા તેનું પણ રેસ્ક્યુ કરાયું હતું.વૃક્ષા હટાવવાની કામગીરી દરમિયાન એક દૂર્ઘટના ઘટી. વાઘોડિયા રોડ પર વીજ પુરવઠો ચાલુ રહી જતા પાણીગઢ પારસ સ્ટેશનના શામળભાઈ નામના ફાયરકર્મીને વીજ કરંટ લાગ્યો. જેના કારણે તેમાન હાથમાં ઈજા પહોંચી હતી. હાલ યુદ્ધના ધોરણે તૂટી પડેલા વૃક્ષોને હટાવી રસ્તા ખુલ્લા કરવાની તેમજ વાહનો બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડને હજુ પણ વૃક્ષો ધરાશાયી થવા સહિતના વિવિધ કોલ મળી રહ્યા છે.