કેદારનાથ યાત્રાના માર્ગ પર લિંચોલીમાં કાટમાળ નીચે દટાયેલા ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. આ મૃતદેહોને લઈને એવી આશંકા લગાવાઈ રહી છે કે ત્રણેયના મોત 31 જુલાઈના રોજ વાદળ ફાટવાના કારણે થયા છે. SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા હતા.એસડીઆરએફની ટીમે સર્ચ ઑપરેશન હાથ ધર્યું.આ વર્ષે ચોમાસાની ઋતુમાં દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલનની ઘટના બની છે. જેમાં વાયનાડ અને કેદારનાથમાં ભારે તારાજી સર્જાઈ છે. ત્યારે ગુરુવારે (15 ઑગસ્ટ) કેટલાક શ્રમિકોએ કાટમાળ નીચે દટાયેલા કેટલાક મૃતદેહની એસડીઆરએફને જાણ કરી હતી. ત્યારબાદ એસઆઈ પ્રેમ સિંહના નેતૃત્વમાં એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. જેમા મોટા પથ્થરો નીચે દટાયેલા મૃતદેહોને બહાર કાઢીને જિલ્લા પોલીસને સોંપવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ દ્વારા મૃતદેહોની ઓળખની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોટભાગના રસ્તાઓ તૂટી ગયા :
નોંધનીય છેકે 31મી જુલાઈની રાત્રે ભારે વરસાદને કારણે કેદારનાથ પદયાત્રાના માર્ગની 13 જગ્યાએ ભારે નુકસાન થયું હતું. માર્ગ ખોલવામાં સમય લાગી રહ્યો છે. હાલમાં હવાઈ મુસાફરી ચાલુ છે. ભીમ્બલી અને લિંચોલી વચ્ચે ભારે વરસાદને કારણે ગૌરીકુંડ અને રામબાડા વચ્ચેના માર્ગોને સૌથી વધુ નુકસાન થયું હતું. ભીમ્બલી અને જંગલચટ્ટીમાં મોટાભાગના રસ્તાઓ તૂટી ગયા હતા. જ્યારે 10 જગ્યાઓ એવી હતી કે જ્યાં રોડ ખરાબ થઈ ગયો હતો. જંગલચટ્ટીમાં 50 મીટર રોડ ધોવાઈ ગયો હતો.