વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (બીજી જુલાઈ) લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. સંસદમાં પ્રવેશતા જ એનડીએના સાંસદોએ તેમનું મોદી-મોદીના નારા સાથે સ્વાગત કર્યું હતું. આ પહેલા ભાજપના સાંસદ નિશિકાંત દૂબેએ કહ્યું હતું કે અવધેશ પાસી જ્યાંથી જીતીને આવ્યા છે, એ બેઠકનું નામ અયોધ્યા નહીં ફૈજાબાદ છે. જો કે અહીં કોઈ ફૈજાબાદ ના બોલ્યું. આ ભાજપની જીત છે, મોદીની જીત છે.
2014 ના પહેલા કૌભાંડોનો સમયગાળો હતો
પીએમ મોદીએ કહ્યું કે 2014 ના તે દિવસોને યાદ કરીશું તો આપણને ખબર પડશે કે દેશના લોકોનો આત્મવિશ્વાસ ગુમ થઇ ગયો હતો. દેશ નિરાશાના સાગરમાં ડૂબી ગયો હતો. 2014 ના પહેલાં દેશે જે સૌથી મોટું નુકસાન વેઠ્યું હતું, અમાનત ગુમાવી હતી, તે હતો આત્મવિશ્વાસ. 2014 ના પહેલાં આ જ શબ્દો સંભળાતા હતા- આ દેશનું કંઇ ન થઇ શકે… આ સાત શબ્દો ભારતીયોની નિરાશાની ઓળખ બની ગયા હતા. સમાચાર ખોલતા હતા તો કૌભાંડના સમાચાર જ વાંચવા મળતા હતા. રોજ નવા કૌભાંડ, કૌભાંડ જ કૌભાંડ. કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા, કૌભાંડી લોકોના કૌભાંડ… બેશરમી સાથે સ્વિકારવામાં આવતું હતું કે દિલ્હીથી એક રૂપિયો નિકળે છે તો 15 પૈસા પહોંચે છે. ભાઇ-ભત્રીજાવાદ એટલો ફેલાયેલો હતો કે સામાન્ય યુવાન તો આશા છોડી ચૂક્યો હતો કે કોઇ ભલામણ કરનાર નથી તો જીંદગી આ જ રીતે ચાલશે.
પીએમ મોદીએ જણાવ્યું વિકસિત ભારતનો અર્થ
પીએમ મોદીએ કહ્યું કે દેશની જનતાએ અમારી નીતિઓને જોઇ છે. અમારી નિયત, અમારી નિષ્ઠા પર જનતાએ વિશ્વાસ કર્યો છે. આ ચૂંટણીમાં અમે જનતાની વચ્ચે એક મોટા સંકલ્પ સાથે આર્શિવાદ માંગવા ગયા હતા અને અમે આરશિવાદ માંગ્યા હતા વિકસિત ભારતના અમારા સંકલ્પ માટે. તેના માટે એક પ્રતિબદ્ધતાની સાથે જન સામાન્ય કલ્યાણ કરવાના ઇરાદા સાથે ગયા હતા. જનતાએ વિકાસિત ભારતના સંકલ્પને ચાર ચાંદ લગાવીને ફરીથી એકવાર વિજયી બનાવીને સેવાની તક આપી છે.
જ્યારે દેશ વિકસિત હોય છે, કોટિ-કોટિ જનોના સપના પુરા થાય છે, સંકલ્પ સિદ્ધ થાય છે, આગામી પેઢીઓ માટે પણ મજબૂત પાયો તૈયાર કરવામાં આવે છે. વિકસિત ભારતનો સીધેસીધો લાભ આપણા દેશના નાગરિકોની ગરિમા, ક્વોલિટી ઓફ લાઇફમાં સુધાર, સ્વાભાવિક રૂપથઈ ભાગ્યમાં આવે છે. આઝાદી બાદ સામાન્ય નાગરિક આ વસ્તુઓ માટે તરસી રહ્યો છે. આપણા ગામડાં, શહેરોની સ્થિતિમાં ખૂબ મોટો સુધારો આવ્યો છે. ગામડાંના જીવનમાં ગરિમા પણ હોય છે, વિકાસના નવા અવસર પણ હોય છે. દુનિયાની વિકાસ યાત્રામાં ભારત બરાબારી કરશે, તે અમારું સપનું છે. વિકસિત ભારતનો અર્થ છે કે કોટિ-કોટિ નાગરિકોને અનેક અવસર ઉપલબ્ધ થાય છે અને તે પોતાની ક્ષમતાના અનુસાર યોગદાન આપી શકે છે. દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે વિકસિત ભારતના જે સંકલ્પને લઇને અમે ચાલ્યા છીએ, તેની પૂર્તિ માટે અમે ભરપૂર પ્રયત્ન કરીશું, પુરી નિષ્ઠા અને ઇમાનદારીથી કરીશું. અમારા સમયની પળેપળ, શરીરનો કણેકણ વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં લગાવીશું અમે તે કામને અવશ્ય પૂર્ણ કરીશું.
‘તુષ્ટીકરણ નહી, સંતુષ્ટિકરણનો વિચાર લઇને ચાલ્યા છીએ’
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ દેશે લાંબા સમય સુધી તુષ્ટિકરણનું રાજકારણ પણ જોયું છે અને તુષ્ટિકરણની ગવર્નેંસનું મોડલ પણ જોયું. અમે તુષ્ટિકરણ નહી, સંતુષ્ટિકરણના વિચારને લઇને ચાલ્યા છીએ. જ્યારે અમે સંતુષ્ટિકરણની વાત કરીએ છીએ તો તેનો અર્થ છે કે છેવાડાના વ્યક્તિ સુધી લાભ પહોંચે. જ્યારે અમે સેચુરેશનના સિદ્ધાંતની વાત કરીએ છીએ તો આ સાચા અર્થમાં સામાજિક ન્યાય અને સેક્યુલરિઝમ હોય છે. અને તેના પર દેશની જનતાએ અમને ત્રીજીવાર બેસાડીને મોહર લગાવી દીધી છે. અપીઝમેંટે દેશને બરબાદ કરી દીધો છે. અમે જસ્ટિસ ટૂ ઓલ, અપીઝમેન્ટ ટૂ નનના સિદ્ધાંતને લઇને ચાલીએ છીએ.
‘જનતાએ 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ જોયો છે’
વડાપ્રધાને લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપતાં કહ્યું કે જનતાએ અમારી 10 વર્ષની સરકારનો ટ્રેક રેકોર્ડ જોયો છે. અમે જનસેવા જ ઇશ્વર સેવાનો મંત્ર બનાવીને કામ કર્યું છે. દેશે અમને ભ્રષ્ટાચારને લઇને જે જીરો ટોલરેન્સ નીતિ છે, તેના માટે આર્શિવાદ આપ્યા છે. આજે વિશ્વામાં ભારતનું ગૌરવ થઇ રહ્યું છે. દુનિયામાં સાખ વધી છે. ભારતને જોવાનો ગૌરવપૂર્ણ દ્રષ્ટિકોણ પણ દરેક ભારતવાસી અનુભવ કરી રહ્યા છે.
અમારું એકમાત્ર લક્ષ્ય નેશન ફર્સ્ટ છે. ભારત સર્વપ્રથમ છે. અમારી દરેક નીતિ, દરેક નિર્ણય, દરેક કાર્યનું એક જ ત્રાજવું રહ્યું છે- ભારત પ્રથમ. ભારત પ્રથમની ભાવના સાથે જે જરૂરી રિફોર્મ હતા, તેમને પણ સતત ચાલુ રાખ્યા છે. 10 વર્ષમાં અમારી સરકાર સબકા સાથે, સબકા વિકાસના મંત્રને લઇને બધાનું કલ્યાણ કરવાનો પ્રયત્ન કરતી રહી છે.
વડાપ્રધાનના સંબોધન વખતે વિપક્ષનો જોરદાર હંગામો
લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાબ આપી રહ્યા છે. પ્રધાનમંત્રીના સંબોધન દરમિયાન વિપક્ષી સાંસદોએ જોરદાર હંગામો મચાવ્યો હતો. વિપક્ષી સાંસદોની નારાબાજી વચ્ચે વડાપ્રધાને સંબોધન ચાલુ કર્યું હતું. બીજી તરફ, સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે ‘આ કોઇ વિરોધની રીત નથી.’