વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તબક્કાવાર એક પછી લોકાર્પણના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ હવે GMDC ગ્રાઉન્ડ ખાતે સન્માન સમારોહમાં પહોંચ્યા હતા. જીએમડીસીમાં ખુલ્લી જીપમાં બેસીને વડાપ્રધાને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને સ્ટેજ સુધી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ સાથે હતા. આ દરમિયાન લોકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. જીએમડીસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સન્માન યોજવામાં આવ્યું હતું.પીએમ મોદીએ અમદાવાદના જીએમડીસી ખાતેથી બટન દબાવીને ગુજરાતને 8,000 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી. સિંગલ વિંડો આઇએફસીએ સિસ્ટમ લોન્ચ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાને પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનોની ચાવી આપી હતી. દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલનું વર્ચુઅલ ઉદઘાટન કર્યું હતું. બીજી તરફ રેલવેએ વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરી દીધું છે. દેશની આ પહેલી નમો ભારત રેપિડ રેલ ભુજથી અમદાવાદની વચ્ચે દોડશે. આ ટ્રેન પાંચ કલાક અને 45 મિનિટમાં અમદાવાદ અને ભુજ વચ્ચેનું અંતર કાપશે, જેની વચ્ચે નવ સ્ટેશન પર આ ટ્રેન રોકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનની શરૂઆત કરતાં કહ્યું હતું કે ઉત્સવના આ સમયમાં ભારતના વિકાસનો ઉત્સવ પણ નિરંતર ચાલુ રહેશે. અત્યારે અહીંથી લગભગ 8,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે. તેમાં રેલવે, રોડ અને મેટ્રો જેવા અનેક પ્રોજેક્ટ્સ સામેલ છે.
ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે : નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસના કાર્યો માટે દેશવાસીઓ અને ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી છે. ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતમાં પહેલી અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઇ છે. જેમાં આપણે ઘણાં સ્વજનોને ગુમાવ્યા છે. ત્રીજીવાર પ્રધાનમંત્રીના રૂપમાં શપથ લીધા બાદ પહેલીવાર ગુજરાત આવ્યો છે, ગુજરાત મારી જન્મભૂમિ છે. ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. તમે લોકોએ હંમેશા મારી ઉપર તમારો પ્રેમ વરસાવ્યો છે. પુત્ર જ્યારે પોતાના ઘરે આવીને સ્વજનોના આશીર્વાદ લે છે ત્યારે તેને નવી ઉર્જા મળે છે. તેનો ઉત્સાહ અને જોશ વધી જાય છે. આટલી મોટી સંખ્યામાં તમે આશીર્વાદ આપવા માટે આવ્યા તે મારું સૌભાગ્ય છે.
મને વારંવાર અલગ-અલગ કોર્નરથી મેસેજ આવતા હતા કે ત્રીજીવાર શપથ લીધા પછી હું જલદી જ તમારી વચ્ચે આવું. તમારો નરેન્દ્ર ભાઇ પર હક છે. મેં લોકસભાની ચૂંટણીમાં તમને અને દેશવાસીઓને ગેરન્ટી આપી હતી. પ્રથમ 100 દિવસમાં અભૂતપૂર્વ નિર્ણયો લેવામાં આવશે. ગત 100 દિવસમાં મેં દિવસ-રાત જોયું નથી, 100 દિવસના એજન્ટાને પુરો કરવા માટે સંપૂર્ણ તાકાત લગાવી દીધી. દેશ હોય કે વિદેશ, જ્યાં પણ જે પ્રયત્નો કરવાના હતા તે કર્યા, કોઇ કસર છોડી નથી.
નમો ભારત રેપિડ રેલનું પણ ઉદ્ઘાટન, અમદાવાદ-ભુજ વચ્ચે દોડશે :
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજથી અમદાવાદ ભુજ વચ્ચે નમો ભારત રેપિડ રેડ શરૂ થઇ ગઇ છે, આ ટ્રેનથી મિડલ ક્લાસ લોકોને ફાયદો થશે. આગામી સમયમાં અનેક શહેરોને નમો ભારત રેપિડ રેલની કનેક્ટિવિટી મળશે. દેશમાં 15થી વધુ રૂટ પર નવી નમો ભારત રેપિડ રેલ દોડાવવામાં આવશે, જ્યારે 125થી વધુ ભારત ટ્રેન લોકોને સેવા આપી રહી છે. આગામી 25 વર્ષમાં આપણા દેશને વિકસિત બનાવવાનો આ ગોલ્ડન પિરિયડ છે. જેમાં ગુજરાતની સૌથી મોટી ભૂમિકા છે. ગુજરાત ભારતનું પ્રથમ એરક્રાફ્ટ આપશે. આજે ગુજરાતમાં એક-એકથી ચઢિયાતી યુનિવર્સિટીઓ છે, આ ઉપરાંત વિદેશી યુનિવર્સિટીઓ પણ ગુજરાતમાં કેમ્પસ શરૂ કરી રહી છે.