Rain in Saurashtra: સૌરાષ્ટ્રમાં શરદ ઋતુમાં પણ અષાઢ માસની જેમ વિજળીના પ્રચંડ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડે છે અને અનેક સ્થળોએ તો વરસાદની તીવ્રતા એટલી છે કે એક કલાકમાં જ દોઢ-બે ઈંચ પાણી વરસી જાય છે. કોટડાસાંગાણીમાં આખો દિવસ કોરો રહ્યા બાદ મોડી સાંજે બે કલાકમાં આશરે બે ઈંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે મેંદરડામાં ધોધમાર 3 ઈંચ વરસાદ વરસ્યો છે.
આજે પણ વરસાદની આગાહી છે અને દરમિયાન આજે 35 સેલ્સિયસ તાપમાનમાં હજુ 2થી 3 ડિગ્રીનો વધારો ચાર-પાંચ દિવસમાં થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ગામેગામથી મળતા અહેવાલો મુજબ સતત વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન ગયું છે. દિવાળી નજીક છે ત્યારે ભારે વરસાદથી અનેક ડેમો સતત છલકાઈ રહ્યા છે અને દરવાજા ખોલાતા નદીઓમાં પાણી ધસમસતુ વહેવા લાગ્યું છે.
પાકને નુકસાન
સૌરાષ્ટ્રમાંથી અહેવાલો મુજબ પોરબંદરના મંડેરમાં એક ઈંચ વરસાદ સાથે વિજળી પડતા ભેંસનું મૃત્યું નીપજ્યું હતું. સાવરકુંડલાના બગોયા ગામે વિજળી પડતા ભેંસનું મૃત્યું તેમજ ઈલેક્ટ્રીક સાધનોને નુકસાન પહોંચ્યું હતું, આંબરડી-અભરામપરામાં તોતિંગ વૃક્ષ ધસી પડયું હતું અને ખાંભા ગીરની નદીઓમાં પૂર આવ્યા હતા. મગફળી, સોયાબીન, ડુંગળી સહિતના પાકોને વ્યાપક નુકસાન થયાના અહેવાલો મળે છે. વડિયા પંથકમાં દેવળકી,સનાળી ગામે કૃષિ જણસીના પાથરાં વરસાદી પૂરમાં તણાયાના વિડીયો વાયરલ થયા હતા.
રાજકોટ જિલ્લામાં બુધવારે લોધિકા બાદ આજે કોટડાંસાગાણીમાં સૂર્યાસ્ત પછી ગાજવીજ સાથે ભારે વરસાદ ઉપરાંત ગોંડલ, જામકંડોરમા સહિત સ્થળે પણ વરસાદ નોંધાયો છે. જામકંડોરણામાં રાત્રિના ૮થી ૯ દરમિયાન એક કલાકમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદથી માર્ગો પર પાણી ભરાયા હતા.
અમરેલી જિલ્લામાં સાંજ સુધી વરસાદના વિરામ બાદ સાંજે ૬ પછી દોઢ ઈંચ, કુંકાવાવ વડિયા, બાબરામાં એક ઈંચ, બગસરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બગસરામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સાવરકુંડલા પંથકથી અહેવાલ મૂજબ વિજળીની પ્રચંડતા તાકાત એવી હતી કે આવા ભયભીત કરી દેશા દ્રશ્યો અગાઉ પણ જોવા નથી મળ્યા. ખાંભામાં પણ ધોધમાર એક ઈંચ વરસાદ નોંધાયો છે.
બુધવારે તાલાલામાં એક ઈંચ ઉપરાંત પાટણ વેરાવળ, વિસાવદર, થાનગઢ, જામજોધપુર અને સાંજે 6 વાગ્યા પછી વિસાવદર, પોરબંદર, બાબરા, ગોંડલ, ભેંસાણ, વંથલી વગેરે વિસ્તારમાં ઝાપટાંથી અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.
રાજકોટ સહિતના સ્થળે છૂટાછવાયા વરસાદની આગાહી
શરદ પુનમની રાત્રે પૂર્ણ કળાએ ખિલેલા ચંદ્રના દર્શન અલૌકિક હોય છે અને આ સમયે ઠેરઠેર દાંડિયારાસ, અગાશી ઉપર દૂધ-પૌઆના આયોજનો થતા હોય છે પરંતુ, આજે સૂર્યાસ્ત પછી ચંદ્રોદય થયો ત્યારે તેજસ્વી ચંદ્રને કમોસમી વાદળોએ ઢાંકી દીધો હતો.
રાજકોટમાં વિજળીના ચમકારા નજરે પડતા હતા જે ધ્યાને લઈને કેટલાક આયોજકોએ તો ખૈલેયાઓને સૂચના આપવી પડી હતી કે વરસાદનું કાંઈ નક્કી નથી, તૈયારી રાખવી, તૈયાર થવામાં વધુ પડતો ખર્ચ ન કરવો કે વસ્ત્ર પરિધાનમાં બહુ ખર્ચ નહીં કરતા. વરસાદ પડશે તો આયોજન બંધ કરવું પડશે. રાત્રે કેટલાક સ્થળે તીવ્ર પવન સાથે ઝાપટાં વરસ્યાના અહેવાલો મળે છે. એકંદરે જે દાંડિયારાસ યોજાયા તે પણ આયોજકોએ ઉચ્ચક મને યોજ્યા હતા. હજુ આજે પણ રાજકોટ સહિતના સ્થળે છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. શુક્રવારથી સુકા હવામાનની આગાહી છે પરંતુ, વાદળિયુ હવામાન જારી રહેશે.