NH 47એ ગુજરાતના જામનગરથી વાયા મધ્યપ્રદેશના ઈન્દોરથી મહારાષ્ટ્રના નાગપુર સુધી વિસ્તરેલો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદને ગાંધીનગરથી જોડતો સરખેજ-ગાંધીનગર (SG) હાઈવે NH 147 પર કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર જંક્શન અને YMCA ક્લબ નજીક સાણંદ ચોકડી સુધીની કામગીરી શરૂ થઈ છે.
NH 47નું કામ હજુ બાકી છે, બે બ્રિજની કામગીરી હજુ ચાલી રહી છે
NH 47નું કામ હજુ બાકી છે, બે બ્રિજની કામગીરી હજુ ચાલી રહી છે
ઓક્ટોબર 2017માં નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત
વર્ષ 2011માં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદથી જોડતો રાજકોટ અમદાવાદ હાઇવેને ફોરલેનમાંથી સિક્સલેન બનાવવા માટે વિચારણા શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષ 2017ના ઓક્ટોબર મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા. ત્યાર બાદ વર્ષ 2018માં રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે, આજે ખાતમુહૂર્ત થયાને 6 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છતાં સિક્સલેન હજુ તૈયાર થયો નથી. આજે આ પ્રોજેક્ટની કામગીરી 98% પૂર્ણ થઇ હોવાનો અને આગામી 3 માસમાં કામગીરી પૂર્ણ થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ ડિસેમ્બર 2024ના અંત સુધી પણ કામ પૂર્ણ થાય તેવી શક્યતા નહીંવત્ જોવામાં આવી રહી છે.
ડેડલાઈન પૂરી કરવામાં એજન્સીઓ નિષ્ફળ રહી
રાજકોટ અમદાવાદ સિક્સલેન હાઇવેનું કામ પૂર્ણ કરવામાં રોડ બનાવનાર એજન્સી દ્વારા વારંવાર તારીખ પે તારીખ આપવામાં આવી રહી છે. સૌ પ્રથમ વર્ષ 2018માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ વર્ષ 2020માં પૂરો થવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, આ કામ ત્યારે પૂર્ણ થઇ શક્યું નહીં અને તેની ડેડલાઇન વધારીને 30 જૂન 2023 કરવામાં આવી હતી. જોકે, આમ છતાં કામગીરી પૂર્ણ થઇ નહીં અને વધુ 6 મહિનાની મુદ્દત આપવામાં આવી હતી અને ત્યારબાદ વિધાનસભા ગૃહમાં માર્ગમકાન વિભાગ દ્વારા માર્ચ 2024માં કામગીરી પૂર્ણ થશે તેવો જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. એટલે કે, આ સમય દરમિયાન પણ કામ પૂર્ણ ન થતાં આજે વધુ એક તારીખ આપવામાં આવી રહી છે. હાલ આ પ્રોજેક્ટની 98% કામગીરી પૂર્ણ થયાનો દાવો કરી આગામી 3 માસમાં દિવાળી પૂર્વે રાજકોટ-અમદાવાદ સિક્સલેન હાઇવે પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, આ વખતે પણ દિવાળી સુધીના સમયમાં આ કામ પૂર્ણ થાય તેવી શક્યતા નહીંવત્ જોવામાં આવી રહી છે.