UPI Limit For Tax Payments: આરબીઆઇએ દ્વિમાસિક મોનેટરી પૉલિસી બેઠકના અંતે રેપો રેટ જાળવી રાખતાં અન્ય એક મોટી જાહેરાત કરી છે. ટેક્સ પેમેન્ટ માટે યુપીઆઇ મર્યાદા વધારવામાં આવશે. હાલ આ મર્યાદા રૂ. 1 લાખની છે જે વધારી રૂ. 5 લાખ કરવામાં આવશે. આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે ટેક્સ પેમેન્ટ માટે યુપીઆઇ મર્યાદા વધારવાની જાહેરાત કરી છે.
યુપીઆઇથી પેમેન્ટ કરવું સસ્તું :
આરબીઆઇની આ જાહેરાતથી કરદાતાઓને મોટો લાભ થશે. નિષ્ણાતોએ જણાવ્યું છે કે, પેમેન્ટ માટે યુપીઆઇનો ઉપયોગ વધ્યો છે. આરબીઆઇએ ટેક્સ પેમેન્ટ માટે યુપીઆઇ મર્યાદા વધારતાં અન્ય માધ્યમ પર લાગતાં વધારાનો ચાર્જ દૂર થશે. યુપીઆઇ પેમેન્ટને ડેબિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ મારફત ટેક્સનું પેમેન્ટ કરવા પર વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે. જ્યારે યુપીઆઇમાં કોઈ પ્રકારનો ચાર્જ હોતો નથી. જેથી આરબીઆઇએ મર્યાદા વધારી રૂ. 5 લાખ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
યુપીઆઇને આકર્ષક બનાવવાનો પ્રયાસ :
આરબીઆઇએ ડિજિટલ પેમેન્ટને વેગ આપતાં યુપીઆઇને સતત આકર્ષક બનાવવા પગલાં લઈ રહી છે. ગત વર્ષે ડિસેમ્બરમાં આરબીઆઇએ અમુક ખાસ પ્રકારના પેમેન્ટ માટે યુપીઆઇની મર્યાદા વધારી હતી. જેમાં હૉસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓને થતું પેમેન્ટ સામેલ હતું.
જુદા-જુદા ટ્રાન્જેક્શન માટે યુપીઆઇ મર્યાદા :
હૉસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓને રૂ. 5 લાખ સુધીનુ પેમેન્ટ યુપીઆઇ મારફત કરી શકાય છે. સામાન્ય પેમેન્ટ માટે પ્રતિ ટ્રાન્જેક્શન લિમિટ રૂ. 1 લાખ છે. કેપિટલ માર્કેટ, કલેક્શન, ઇન્સ્યોરન્સ, ફોરેન ઇનવર્ડ રેમિટન્સ જેવા ખાસ પ્રકારના ટ્રાન્જેક્શન માટે મર્યાદા રૂ. 2 લાખ છે. આઇપીઓ ઍપ્લિકેશન માટે પ્રતિ ટ્રાન્જેક્શન મર્યાદા રૂ. 5 લાખ છે.