કેન્દ્ર સરકાર ગતવર્ષે ચોખાની નિકાસ પર લાગુ પ્રતિબંધો દૂર કરવાની શરૂઆત કરી છે. હાલમાં જ તેણે પસંદગીના દેશોમાં મર્યાદિત પ્રમાણમાં ચોખાની નિકાસ કરવા મંજૂરી આપી છે. મલેશિયા સરકારે પોતાની ખાદ્ય જરૂરિયાતો પૂરી કરવા માટે ભારત સરકાર સમક્ષ ચોખાની માગ કરતાં નિકાસને મંજૂરી આપવામાં આવી છે. જેના પગલે ખેડૂતોને આ વર્ષે ડાંગરના સારા ભાવ મળવાની શક્યતા છે.ભારતે સાત દેશોમાં ખાદ્ય જરૂરિયાતો પૂરી કરવાના હેતુ સાથે 10,34,800 ટન નોન-બાસમતી ચોખાની નિકાસને મંજૂરી આપી છે. આ દેશોમાં નેપાળ, કેમરૂન, કોટે ડી આઈવર, ગિની, મલેશિયા, ફિલિપિન્સ, અને સેશલ્સ સામેલ છે. આ નિકાસ રાષ્ટ્રીય સહકારી નિકાસ લિ. દ્વારા કરવામાં આવી શકે છે. ગતવર્ષે જુલાઈ, 2023માં ચોખાની વધતી કિંમતો અને પુરવઠાની અછત દૂર કરવાના હેતુ સાથે નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. DGFTએ જારી કરેલી નોટિફિકેશન અનુસાર, મલેશિયામાં 2 લાખ ટન નોન-બાસમતી ચોખાની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. અગાઉ ઓક્ટોબર, 2023માં મલેશિયામાં 1.70 લાખ ટન નોન-બાસમતી ચોખા નિકાસ કરવા મંજૂરી અપાઈ હતી. હાલ, જ મલેશિયાના વડાપ્રધાન દાતો સેરી અનવર બિન ઈબ્રાહિમ રાજકીય પ્રવાસ પર નવી દિલ્હી આવ્યા હતા. તે સમયે મલેશિયાએ ચોખાની માગ કરી હતી. ભારતમાંથી નોન બાસમતી ચોખાની સૌથી વધુ નિકાસ આફ્રિકન દેશ બેનિનમાં થાય છે. ત્યારબાદ યુએઈ, નેપાળ, બાંગ્લાદેશ, વિયેતનામ, સોમાલિયા, લાઈબેરિયા સહિત અનેક દેશમાં પણ નિકાસ થાય છે. વિશ્વમાં ચોખાની કુલ નિકાસના 40 ટકા હિસ્સો ભારત પૂરો પાડે છે. આ વર્ષે ખરીફ સિઝનમાં ચોખાનું બમ્પર વાવેતર થયા હોવાથી ચોખાનું ઉત્પાદન વધવાનો અંદાજ છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અનુસાર, ખરીફ સિઝન 2024 માટે 20 ઓગસ્ટ સુધી દેશમાં 369.05 હેક્ટર વિસ્તારમાં ડાંગરના વાવેતર કરવામાં આવ્યા છે. જે ગતવર્ષની તુલનાએ 20 હેક્ટર વધુ છે.