Uttar Pradesh By Election 2024: ઉત્તર પ્રદેશની નવ બેઠકો પર 13મી નવેમ્બરે પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે. આ દરમિયાન ફુલપુરમાં કંઈક એવું બન્યું જે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના ઉમેદવાર માટે મુશ્કેલી ઊભી કરશે. ફુલપુર બેઠક પરથી સપાના ઉમેદવારનું નામાંકન થયા બાદ કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ સુરેશ યાદવે પાર્ટી સામે બળવો કરીને ઉમેદવારી નોંધાવી હતી. નોંધનીય છે કે, તેમના નામાંકન બાદ પક્ષના નેતાઓમાં હડકંપ મીચી ગયો છે.
‘આ બેઠક પરથી માત્ર કોંગ્રેસે જ ચૂંટણી લડવી જોઈએ’
આ મામલે બળવાખોર નેતા સુરેશ યાદવે કહ્યું કે, ‘ફુલપુર બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે, મોટા નેતાઓ મળીને આ બેઠક પરથી સપાને લડાવી રહ્યા છે. આ બેઠક પરથી માત્ર કોંગ્રેસે જ ચૂંટણી લડવી જોઈતી હતી.’
ભાજપે પૂર્વ ધારાસભ્યને મેદાનમાં ઉતાર્યા
ભાજપે આ બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય દીપક પટેલને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે સપાએ મુજ્જતબા સિદ્દિકી અને બસપાના પહેલા ઉમેદવાર શિવ બરન પાસીને હટાવીને જીતેન્દ્ર સિંહને ટિકિટ આપી છે. અગાઉ કોંગ્રેસ ફુલપુર અને મીરાપુરની બેઠકોની માંગ કરી રહી હતી, પરંતુ અખિલેશ યાદવના ના પાડ્યા બાદ કોંગ્રેસે એક પણ બેઠક પર દાવો કર્યો ન હતો. બદલામાં અખિલેશ યાદવે મહારાષ્ટ્રમાં બેઠકની સંખ્યા ઘટાડવી પડી.
અખિલેશે મહત્ત્વની જાહેરાત કરી હતી
ઉલ્લેખનીય છે કે, અગાઉ સપાના વડા અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે I.N.D.I.A ગઠબંધનના તમામ ઉમેદવારો સાયકલ સિમ્બોલ પર ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસના કાર્યકરો ચૂંટણીમાં સપાના ઉમેદવારોને મદદ કરશે અને પીડીએને જીતવામાં મદદ કરશે.’