આજે છેલ્લું નોરતું છે અને આવતીકાલે ગુજરાત સહિત દેશભરમાં વિજયાદશમી એટલે દશેરાનો તહેવાર ઉજવાશે. ગુજરાતમાં દશેરા નિમિત્તે જલેબી અને ફાફડાની જિયાફત માણવાની વર્ષો જૂની પરંપરા છે. પરંતુ આ વર્ષે ફાફડા અને જલેબીમાં કિલોએ સરેરાશ 100 રૂપિયાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને રાજ્યમાં 450થી લઇને 650 રૂપિયા પ્રતિ કિલો ફાફડા અને 500થી 700 રૂપિયા પ્રતિ કિલો શુદ્ધ દેશી ઘીમાં જલેબી વેચાઈ રહી છે, ત્યારે આ વર્ષે ગુજરાતીઓ એક લાખ કિલોથી વધુના ફાફડા-જલેબી એક જ દિવસમાં આરોગે તેવો અંદાજ છે. એટલે કે આ વર્ષે અંદાજે ગુજરાતીઓ 5 કરોડના ફાફડા-જલેબી ઝાપટી જશે. જેને લઇને દશેરાના બે દિવસ પહેલાંથી જ ઠેર-ઠેર ફાફડા જલેબીના વિક્રેતાઓ દ્વારા કાઉન્ટરો લગાવવાના શરૂ કરી દેવામાં આવ્યાં છે.
ગુજરાતીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેબી ઝાપટી જશે :
દેશ-વિદેશમાં ફાફડા જલેબી માટે તો ગુજરાતીઓ પ્રખ્યાત છે. પરંતુ 365 દિવસમાં એક દિવસ એવો પણ આવે છે, જ્યારે ગુજરાતીઓ એક જ દિવસમાં કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જતાં હોય છે. દશેરાના દિવસને અધર્મ પર ધર્મના વિજયના દિવસે તરીકે ઊજવવામાં આવે છે. આ જ દિવસે ગુજરાતીઓ હજારો કિલો ફાફડા જલેબી આરોગી લેતા હોય છે. વર્ષોથી ચાલતી આ પરંપરા ગુજરાતીઓએ આ વર્ષે પણ અવિરત રાખી છે. ખાસ એક દિવસ માટે ફાફડા જલેબીનો ક્રેઝ એટલી હદે ભારે હોય છે કે કેટલી જગ્યાએ તો સવારે 5 વાગ્યાથી જ લોકો ફરસાણની દુકાનોની બહાર લાઇનોમાં ઊભા રહી જાય છે. એનાથી અંદાજો લગાવી શકાય છે કે, દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવા એ ગુજરાતીઓ માટે કેટલું મહત્ત્વનું છે. આ દિવસે મોડી રાત સુધી ફરસાણની દુકાનોમાં ફાફડા જલેબી તૈયાર થતાં હોય છે.