ગુજરાતમાં સરકારી નોકરીમાં લાંબી રજા પર ઉતરીને વિદેશમાં જલસા કરતા અધિકારી અને કર્મચારીઓ માટે સરકાર હવે કડક નિયમો લાવી રહી છે. પહેલાં શિક્ષણ અને હવે આરોગ્ય વિભાગમાં ચાલુ નોકરીએ વિદેશ જવાના કિસ્સા સામે આવતાં ચોંકી ઉઠેલી સરકારે વિદેશગમન માટેના જૂના પુરાણા નિયમોનો રિવ્યૂ કરવાનું નક્કી કર્યું છે.સરકારના વિભાગો કે જેઓ કર્મચારીઓની રજાના માપદંડ નક્કી કરે છે, તેમને સતર્ક કરી નિયમોમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોના વિદેશમાં સ્થાયી થવાના સંખ્યાબંધ કિસ્સા સામે આવ્યા પછી આરોગ્ય વિભાગમાં પણ આવી લાલીયાવાડી ચાલી રહી હોવાનું ધ્યાને આવ્યું છે.જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ લાંબી રજા પર ઉતરીને વિદેશમાં જતા હોવાના કિસ્સા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યા છે. કેટલાક કર્મચારીઓ ચાલુ નોકરીએ લાંબો સમય સુધી વિદેશમાં રહેતા હોવાના કિસ્સામાં નોટિસો ઈસ્યુ કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગમાં તો છેલ્લા કેટલાક વર્ષોથી આવી પ્રવૃત્તિ ચાલતી હતી. પરંતુ વિભાગને તેની મોર્ડેથી જાણ થઈ છે.સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, માત્ર શિક્ષણ અને આરોગ્ય જ નહીં, સરકારના તમામ વિભાગો અને બોર્ડ-નિગમની કચેરીના કર્મચારીઓની રજાના કારણોની તપાસ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે તે વિભાગમાં ક્યા કર્મચારી કેટલા દિવસો કે મહિના ગેરહાજર છે તેનો રિપોર્ટ બનાવવા જણાવાયું છે. લાંબી રજા પર ઉતરેલા કર્મચારીઓ કે વિદેશમાં જવાના કિસ્સાની તપાસ કરી જવાબદારો સામે નોટિસ, બરતરફી અને શિક્ષાત્મક પગલાંની કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.