જામનગર : રાજ્યમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જેના લીધે ઠેર-ઠેર તબાહીના દ્રશ્યો સર્જાયા છે. છેલ્લા ચાર દિવસથી અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે. રાજ્યમાં ઉત્તરથી લઇને દક્ષિણ સુધી અને સૌરાષ્ટ્રથી માંડીને કચ્છ સુધી વરસાદની રેલમછેલ થતાં ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. સ્થળ ત્યાં જળ જેવો નજારો જોવા મળી રહ્યો છે.ત્યારે ગત 24 કલાકમાં દ્વારકા અને જામનગરમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઇ છે. જામખંભાળિયામાં આખી રાત મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. આજે (બુધવારે) સવારે છ વાગ્યા સુધીમાં 18.5 જ્યારે જામનગરમાં 15.5 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જામજોધપુર અને લાલપુરમાં તાલુકામાં 13-13 ઇંચ, પોરબંદરના રાણાવાવમાં 12 ઇંચ, ભાણવડમાં 10.5 ઇંચ, કલ્યાણપુરમાં 10.5, દ્વારકામાં 10 ઇંચ, લોધીકામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિયા થતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાદરનું પાની છોડાતા ધોરાજી અને ઉપલેટાના બે ગામો સંપર્ક વિહોણા બન્યા છે. રાજ્યના 207 જળાશયોમાં ક્ષમતા સામે 78 ટકા જળસંગ્રહ થયો છે. જો કે હજી 31 જળાશયોમાં માત્ર 25 ટકા પાણીની આવક થઇ છે. રાજ્યમાં વરસાદની મહેરના કારણે મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી નોંધપાત્ર પાણીની આવક થઈ છે. ડીપ ડિપ્રેશનના કારણે વરસી રહેલા સાર્વત્રિક વરસાદના ભાગરૂપે 76 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે ૪૬ જળાશયો 70 થી 100 ટકા ભરાતાં હાઈ એલર્ટ જાહેર જાહેર કરવામાં આવ્યું છે.
જાણો ક્યાં ક્યાં આજે રેડ એલર્ટ :
હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ફરી ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જ્યારે ભાવનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, દમણ, ડાંગ સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.મળતાં અહેવાલો અનુસાર રાજ્યમાં 800થી વધુ રોડ રસ્તાની હાલત અત્યંત દયનીય બની જતાં વાહન વ્યહાર બંધ કરી દેવામાં આવ્યો છે. જેના લીધે નોકરીયાતો અને ધંધાર્થીઓને સૌથી મોટી મુશ્કેલી વેઠવી પડી રહી છે. લગભગ 50થી વધુ તો હાઈવે બંધ કરવાની ફરજ પડી છે જેમાં 3 નેશનલ હાઈવે પણ સામેલ હોવાનું ખુલ્યું છે.