સુપ્રીમકોર્ટે અનુસૂચિત જાતિ(SC) અને અનુસૂચિત જનજાતિ(ST) ને અનામત મુદ્દે એક મોટો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે SC અને ST માં સબ કેટેગરી બનાવવામાં આવી શકે છે. સાત સભ્યોની બંધારણીય બેન્ચે 6/1 થી આ ચુકાદો સંભળાવ્યો હતો. સીજેઆઈ ચંદ્રચૂડ સહિત 6 જજોએ આ કેસમાં સમર્થન દર્શાવ્યું. જોકે જસ્ટિસ બેલા ત્રિવેદી ચુકાદાથી સહમત દેખાયા નહોતા.સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી 2004 માં આપવામાં આવેલા 5 જજોનો ચુકાદો પલટાઈ ગયો છે. 2004ના ચુકાદા અનુસાર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે SC અને STમાં સબ કેટેગરી ન બનાવી શકાય.સુપ્રીમ કોર્ટે 2004ના ચુકાદામાં શું કહ્યું હતું?
તેની સાથે જ કોર્ટે 2004 માં ઈવી ચિન્નૈયા મામલે આપેલા સુપ્રીમ કોર્ટના પાંચ જજોના ચુકાદાને પલટી નાખ્યો છે. વર્તમાન બેન્ચે 2004માં આપેલા એ ચુકાદાની અવગણના કરી દીધી છે જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એસસી/એસટી જનજાતિઓમાં સબ કેટેગરી ન બનાવી શકાય. 2004ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્યો પાસે અનામત આપવા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સબ કેટેગરી કરવાનો અધિકાર નથી. ખરેખર તો 1975માં પંજાબ સરકારે અનામત સીટોને બે કેટેગરીમાં વિભાજિત કરીને SC માટે અનામતની નીતિ રજૂ કરી હતી. એક વાલ્મિકી અને મજહબી શીખો માટે અને બીજી બાકી અનુસૂચિત જાતિ માટે. 30 વર્ષ સુધી આ નિયમ લાગુ રહ્યો. તેના પછી 2006માં આ મામલો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ પહોંચ્યો અને ઈવી ચિન્નૈયા વિરુદ્ધ આંધ્રપ્રદેશ રાજ્ય મામલે સુપ્રીમકોર્ટના 2004ના ચુકાદાનો હવાલો આપ્યો હતો. પંજાબ સરકારને ઝટકો લાગ્યો અને આ નીતિને રદ કરી દેવામાં આવી. ચુકાદામાં કહ્યું હતું કે એસસી કેટેગરી હેઠળ સબ કેટેગરીની મંજૂરી નથી કેમ કે આ સમાનતાના અધિકારોનું ઉલ્લંઘન છે.