મુંબઈના જૂહુ વિસ્તારમાં આવેલી, સૌથી પ્રતિષ્ઠિત ફાઈવ સ્ટાર હોટેલની કીમતી જમીન ટોચના બિલ્ડરના નામે પાણીના ભાવે પચાવી પાડવાનું ભાજપના એક ટોચના નેતાએ કરેલું કૌભાંડ બહાર આવ્યું છે. સેન્ટોર હોટેલની ખાલી જમીનની કિંમત – જંત્રી કે રેડી રેકનર અનુસાર – રૂ 3200 કરોડ કરતાં વધારે થાય છે. આ જગ્યા ઉપર મેક્રોટેક ડેવલપર લક્ઝરી ટાવર બનાવી રૂ 13500 કરોડ કમાવાનો પ્લાન ઘડ્યો છે, પણ આ હોટેલ માત્ર 888 કરોડમાં ખરીદવા માટે બિલ્ડર અને નેતાએ કાયદાનો ગેરઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું છે.
જોકે, ભાજપના નેતાની ઓથ અને આશીર્વાદ સાથે ભાગીદારી પણ હોવાથી કોઈ ઊંચો અવાજ કે વિરોધ થઈ રહ્યો નથી. દેવાના કારણે નાદારીની કાર્યવાહી હેઠળ રહેલી આ કંપની ખરીદવા માટે આઇબીસીની પ્રક્રિયાનો કે ગેરઉપયોગ થયો છે તે ચોંકાવનારું છે. દેશના હોટેલ ઉદ્યોગમાં સૌથી પ્રતિષ્ઠિત એવા 93 વર્ષના ડો. અજિત કેરકર સાથે માત્ર નેતા અને બિલ્ડરે જ નહિ પણ રીઝોલ્યુશન પ્રોફેશનલ અને લેણદારોએ પણ દગો કર્યો છે.
હોટેલની માલિકી વી હોટેલ્સ લિમિટેડની હતી અને તેને ધિરાણ કરનાર બેંકોમાં બેંક ઓફ ઈન્ડીયા, યુનિયન બેંક, કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક, વિજયા બેંક અને ઇન્ડિયન બેન્કનો સમાવેશ થતો હતો. લોનની 37 ટકા જવાબદારીમાં પેગાસસ નામની કંપનીએ કેનેરા ઇન્ડીયન બેન્કે તથા બાકીની 63 ટકા જવાબદારી એસેટ રીકન્સટ્રકશન કંપની ઓફ ઈન્ડીયા (આર્સિલ)ને સોંપવામાં આવી હતી. બેન્કોએ પોતાનું ધિરાણ આ કંપનીઓને 2010માં વેચ્યું હતું.
કેવી રીતે લૂંટી લીધા?
સુવ્યવસ્થિત પ્લાન હેઠળ 2011માં રૂ.150 કરોડનું દેવું પરત કરવામાં કંપની નિષ્ફળ ગઈ એટલે દર મહિને 22 ટકાના તોતિંગ પ્લાન સાથે વ્યાજ અને હપ્તા ચૂકવવા એવો એક પ્લાન આર્સિલે ફરજિયાત અમલમાં મૂક્યો હતો, ત્યારબાદ આ પ્લાન 2013માં અચાનક જ રદ્દ કરી નાખવામાં આવ્યો હતો. આ પછી 2105થી 2019માં વિવિધ ડેટ રિકવરી કેન્દ્રોમાં કાયદાની લડાઈ ચાલી છેલ્લે બોમ્બે હાઇકોર્ટે અને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે આર્સીલ આ રીતે પ્લાન બદલી શકે નહિ, નહિ કે લેણદાર પાસે પ્લાનનો અમલ ફરજિયાત કરાવી શકે.
વ્યાજનો દર 12.5 ટકાથી 22 ટકા વધારવા અંગેની પેગસાસની યોજના પણ ટ્રિબ્યુનલ અને એપેલેટ ટ્રિબ્યુનલે નકારી કાઢી આ પછી મે 2019માં કંપની સામે નાદારીની કાર્યવાહી શરૂ કરવા માટે આર્સિલે એક અરજી કરી જેમાં બાકી મુદ્દલ રૂ.150 કરોડ અને વ્યાજનો દર ફરી 22 ટકા રાખવામાં આવ્યો હતો. આઇબીસી મુજબ કરવામાં આવેલી આ અરજીમાં કંપની સામે નાદરીની કાર્યવાહી કરવા માટે મે 2019માં મંજૂરી મળી હતી. કંપની એપલેટ ટ્રિબ્યુનલમાં નાદારીની અરજી કાઢી નાખવામાં આવી કારણ કે અરજી સમય મર્યાદામાં કરવામાં આવી ન હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ અરજી સ્વીકારી કાર્યવાહી આગળ કરવા આદેશ આપ્યો છે.
લેણદારોના કેટલા નાણાં પરત નીકળે છે તે નક્કી થાય નહિ ત્યાં સુધી આ કંપનીનો રીઝોલ્યુશન પ્લાન તૈયાર થઈ શકે નહિ એવો ચુકાદો એપેલેટ ટ્રિબ્યુનલે ફેબ્રુઆરી 2023માં આપ્યો હતો. ક્રેડિટર કમીટીમાં 97 ટકા બહુમત ધરાવતા આર્સિલ અને પેગાસસે જૂન 2023માં ભાજપના નેતાના ખાસ એવા મેક્રોટેક ડેવલપરનો પ્લાન તા. 19 જૂન 2023ના રોજ ગેરકાયદે મંજૂર કરી દીધો. ત્રીજા જ દિવસે એટલે કે 21 જૂનના ટ્રિબ્યુનલે પણ મુદ્દલ ઉપર કોઈ વ્યાજ નહિ વસુલવું એવો, સુપ્રીમ કોર્ટ અને અન્ય કોર્ટના આદેશથી વિરુદ્ધ, પ્લાન મંજૂર કરી દેવામાં આવ્યો હતો.
અન્ય અરજીઓ પેંડિંગ હોવા છતાં, વ્યાજનો દર 22 ટકા નહિ પણ 14.5 ટકા રાખવો એવા એપેલેટ ટ્રિબ્યુનલના નિર્દેશ છતાં આ પ્લાન રાજકીય અને બિલ્ડરોના દબાણના કારણે મંજૂરી માટે જુલાઈમાં કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યો હતો. નાણાકીય સંસ્થાઓ અને બેન્કોએ પણ આ કૌભાંડમાં મીલીભગત કરી છે. સૌથી પહેલા કંપની સામે રૂ.2085 કરોડના દેવાના દાવા દાખલ થયેલા, તેમાંથી રૂ 1143 કરોડના દાવા મંજૂર થયા હતા. પણ મીલીભગત કરનાર અને કૌભાંડમાં ભાગીદાર એવા રિઝોલ્યુશન પ્રોફેશનલે વ્યાજ સહિત રૂ. 943 કરોડના લેણાં જ મંજૂર કર્યા.
હોટેલ કેટલી સસ્તામાં પચાવી પાડી?
વિવિધ કોર્ટ અને એપેલેટમાં અરજીઓ સુનાવણી હેઠલ હોવા છતાં પ્લાન મંજૂર થઈ જવા માટે અને ભાજપના નેતાની જ મેકરોટેક ડેવલપરને ફાયદો કરાવી આપવા માટે સૌથી મહત્તવનું હતું કે હોટેલની જમીન અત્યંત કીમતી છે અને તેના કરતાં પણ વધારે અહી હોટેલ પાડી બિલ્ડીંગ બને તો ફાયદો થવાનો હતો. બિલ્ડર, ભાજપના નેતા, આસલ , પેગાસસ અને કંપની ફડચામાં જાય તો કેટલું મૂલ્ય ઉપજે એ નક્કી કરનાર બધાની મીલીભગત ઉડીને આંખે વળગે છે. કંપની ફડચામાં જાય તો તેનાથી રૂ.797.68 કરોડ ઉપજે કે રૂ.719 કરોડ ઉપજે એવું બે મૂલ્યાંકન સલાહકારો રજૂ કરેલું છે. પરંતુ, વાસ્તવિકતા અલગ છે.
વર્ષ 2013માં દેવાની વસૂલાત અને નાદારીની પ્રક્રિયા માટે આ હોટલેની ઓછામાં ઓછી કિંમત રૂ. 1315 કરોડ આંકવામાં આવી હતી. હોટલની 5.5 એકર જમીનની સરકારી રેડી રેકોનર મુજબ રૂ. 2117.27 કરોડ કિંમત થાય છે તો 2013 થી 2024 વચ્ચે માત્ર 888 કરોડ રૂપિયામાં આ હોટલની નિલામી કેવી રીતે થઈ શકે એવો સવાલ હોટલ મૂળ માલિક ડો. અજીત કેરકર તરફથી થઇ રહ્યો છે. હોટલના મૂળ માલિકો, શેરહોલ્ડર અને અન્ય પક્ષકારોને નુકસાન થયું હોવાનો આક્ષેપ પણ થયો છે. સરકારી રેડી રેકોનર કરતા જમીનની કિંમત ઓછી કેવી રીતે હોઈ શકે એવો પણ સવાલ છે.
કેરકર સાથે સંકળાયેલા સૂત્રો જણાવે છે કે અત્યંત મૂલ્યવાન આ જમીન સસ્તામાં મેક્રોટેકને પધરાવી દેવા માટે હોટલેની લિકવીડેશન કિંમત માત્ર રૂ. 943 કરોડ આંકવામાં આવી હતી. એવી પણ શક્યતા છે કે રાજકીય દબાણ કે મીલિભગતના કારણે હોટેલ ખરીદવા માટે માત્ર મેક્રોટેક ડેવલપરની એક જ બીડ થઈ હતી. બીજું, મેક્રોટેકને હોટેલ આપવી એવો આદેશ એપ્રિલ 2024માં થયો એ પહેલા જ વિવાદિત જગ્યાનો 51,531 ચોરસ મીટરનો કબ્જો સોંપી દેવામાં આવ્યો હતો. આ જગ્યા પર તોડી પાડવાની શરૂઆત થઈ ગઈ છે. તેના કાટમાળ, સ્ટિલથી રૂ.50 કરોડની કમાણી થવાનો અંદાજ છે.
આ સિવાય સેન્ટોર હોટલમાં મુકવામાં આવેલી ઈલેક્ટ્રીકલ અને અન્ય ડીસ્પ્લે આઈટમ તેની એસેસરીઝ અને ઉપકરણોની કિંમત પણ રૂ. 40 કરોડ જેટલી હોય તેવી શક્યતા છે. મેક્રોટેક અહી એક ફ્લોર ઉપર એક, પ્રતિ ફ્લેટ 10,200થી 21000 ચોરસ ફૂટના ફ્લેટ ઊભા કરવાની પોતાના મિત્રોને જાણ કરી રહ્યા છે. જુહુમાં અરબ સાગરના કિનારે આવેલી આ જગ્યામાં આવા વિશાળ ફ્લેટ ઉભા કરી કંપની રૂ.13,500 કરોડની જંગી આવક ઊભી કરશે.
રાજકીય ઓથ, મિલીબગત અને કાયદાની દરેક પ્રક્રિયામાં દબાણ લાવી આમ મેક્રોટેકે માત્ર રૂ.888 કરોડમાં 15 ગણી કમાણી કરવાનો પ્લાન સફળતાથી પાર પાડયો હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, ભાજપના નેતાની ઓથ અને આશીર્વાદ સાથે ભાગીદારી પણ હોવાથી કોઈ ઊંચો અવાજ કે વિરોધ થઈ રહ્યો નથી.