હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 ને લઈને રાજકીય પાર્ટીઓ હવે એકબીજાના મોટા નેતાઓ પર નજર ટકાવીને બેઠી છે. જેનું મોટું ઉદાહરણ કોંગ્રેસની દિગ્ગજ નેતા અને સાંસદ કુમારી શૈલજા છે. કુમારી શૈલજાને લઈને આજે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે મોટું નિવેદન આપ્યું છે. ખટ્ટરે કહ્યું કે, કોંગ્રેસમાં દલિતની દીકરીનું અપમાન થઈ રહ્યું છે. જો તે અમારી સાથે આવવા ઈચ્છે તો આવી શકે છે. તેમના આ નિવેદન બાદ ભાજપ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ કહ્યું કે, કોંગ્રેસ તેમની સાથે યોગ્ય નથી કરી રહી.
કોંગ્રેસમાં વધ્યો જૂથવાદ :
આ સિવાય હરિયાણા ભાજપના મોટા નેતા કુલદીપ બિશ્નોઈએ પણ કોંગ્રેસ પર ટિપ્પણી કરતાં કહ્યું કે, કુમારી શૈલજા સાથે કોંગ્રેસ બરાબર નથી કરી રહી. વળી, તેમના મોટા ભાઈ ચંદ્રમોહન જે કોંગ્રેસના જ સભ્ય છે, તેઓ શૈલજાને મુખ્યમંત્રીનો ચહેરો બતાવી ચુક્યા છે. જણાવી દઈએ કે, ચંદ્રમોહન શૈલજા જૂથના નેતા છે. હાલ શૈલજા હરિયાણામાં હુડ્ડા જૂથથી નારાજ દેખાય છે. 18 સપ્ટેમ્બરે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લોન્ચ કરતાં સમયે પણ શૈલજા ત્યાં હાજર ન હતાં. હરિયાણામાં ચૂંટણીને લઈને માહોલ ગરમ છે, ત્યારે શૈલજા પ્રચારથી દૂર દિલ્હીમાં જઈને બેઠા છે.બીજી બાજુ હરિયાણામાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારની કમાન પિતા-પુત્રની જોડીએ સંભાળી છે. કોંગ્રેસ હરિયાણામાં ભૂપેન્દ્ર હુડ્ડા અને તેમના દીકરા દીપેન્દ્ર હુડ્ડા પર નિર્ભર છે. કુમારી શૈલજાનો પ્રચાર ન કરવો અને ચુપ્પી કોંગ્રેસને ભારે પડી શકે છે. જણાવી દઈએ કે, શૈલજા દલિત વર્ગથી આવે છે અને હરિયાણામાં કોંગ્રેસનો મોટો ચહેરો છે. હરિયાણા વિધાનસભામાં 17 બેઠકો અનુસૂચિત જાતિની આરક્ષિત છે અને શૈલજાનો હરિયાણાની 21 બેઠકો પર સીધો પ્રભાવ પડે છે.