શેરબજારમાં છેલ્લા 3 ટ્રેડિંગ સેશનમાં શુષ્ક માહોલ બાદ આજે ફરી આકર્ષક તેજી જોવા મળી છે. સેન્સેક્સ આજે 1412.33 પોઈન્ટ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટી પણ 24500ની સાયકોલોજિકલ સપાટીએ પરત ફર્યો છે.સપ્તાહના અંતે આજે સેન્સેક્સ 1330.96 પોઈન્ટ ઉછાળા સાથે 80436.84 પર અને નિફ્ટી 397.40 પોઈન્ટ ઉછળી 24541.15 પર બંધ રહ્યો હતો. આ સાથે રોકાણકારોની મૂડી 7 લાખ કરોડ વધી છે. આઈટી-રિયાલ્ટી, બેન્કિંગ, પીએસયુ શેર્સમાં લેવાલીનું પ્રમાણ વધ્યું છે. સાર્વત્રિક તેજીના માહોલ સાથે આજે 325 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. તેમજ 202 શેર્સ વર્ષની નવી ટોચે પહોંચ્યા હતા. બીએસઈ પર કુલ ટ્રેડેડ 4036 શેર્સ પૈકી 2459 શેર્સ ગ્રીન ઝોનમાં, 1470 શેર્સ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી સનફાર્મા સિવાય તમામ 29 શેર્સમાં 4 ટકા સુધી ઉછળ્યા હતા. જેમાં ટેક મહિન્દ્રા 4.02 ટકા, ટાટા મોટર્સ 3.47 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.45 ટકા, ટીસીએસ 2.91 ટકા, એચસીએલ ટેક્. 2.65 ટકા ઉછળ્યો હતો. સન ફાર્મા 0.03 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ સાથે સુધારા તરફી વલણ દર્શાવે છે. જિયોજિત ફાઈનાન્સિયલ સર્વિસિઝના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, વૈશ્વિક બજારોમાં મજબૂત રિકવરીના સથવારે સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી છે. અમેરિકાના મજબૂત રિટેલ વેચાણ, સાપ્તાહિક બેરોજગારીમાં ઘટાડો, ફુગાવામાં ઘટાડો જેવા પરિબળોના લીધે મંદીના વાદળો દૂર થયા છે. ભારતીય આઈટી કંપનીઓમાં મજબૂત ખરીદી જોવા મળી છે. વિદેશી રોકાણકારોની ખરીદી વધવાના અંદાજ સાથે માર્કેટમાં સુધારાની શક્યતા છે.
સેન્સેક્સમાં 1400 પોઈન્ટનો ઉછાળો : શેરબજારમાં રોકાણકારોને આનંદો : ટેક્નોલોજી-રિયાલ્ટી શેર્સ બુમ
Date: