ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકસ 2024ની ફાઈનલ મેચ પહેલા ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ઓલિમ્પિકસમાં વિનેશનું શાનદાર પ્રદર્શન જોઈને કરોડો ભારતીયોને આશા હતી કે આ વખતે વિનેશનો ગોલ્મેડ ડલ નિશ્ચિત છે. પરંતુ ફાઈનલ મેચ પહેલા વિનેશને વધુ વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. જે વિનેશ તેમજ તથા પૂરા દેશ માટે મોટો આંચકો હતો. જો કે, ફાઈનલ મેચ પહેલા વિનેશે પોતાનું વજન ઘટાડવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. જેને લઈને હવે તેના કોચે ખુલાસો કર્યો છે કે, વજન ઘટાડવાની કોશિશમાં તે પોતાનો જીવ પણ ગુમાવી શકે તેમ હતી. પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિગ્રા રેસલિંગ ઇવેન્ટના ફાઈનલ મેચ પહેલા વીનેશ ફોગાટનું 100 ગ્રામ વજન વધારે આવ્યું હતું. જો કે, વિનેશે વજન ઘટાડવા માટે આગલી રાતે સખત મહેનત કરી હતી. વિનેશના કોચ વોલર અકોસે મોટો ખુલાસો કર્યો અને કહ્યું કે, સેમિ ફાઈનલ બાદ વિનેશનું વજન 2.7 કિલો વધી ગયું હતું. વિનેશે એક કલાક અને વીસ મિનિટ સુધી કસરત કરી હતી છતાં પણ હજુ 1.5 કિગ્રા વજન વધુ હતું. તેના શરીર પર પરસેવાનું એક ટીપું પણ દેખાતું ન હતું. ત્યાં કોઈ વિકલ્પ બચ્યો ન હતો અને મધ્યરાત્રિથી સવારના 5:30 વાગ્યા સુધી તેણે અલગ-અલગ કાર્ડિયો મશીનો અને કુશ્તીના મુવ્સ પર કામ કર્યું હતું. તે દરમિયાન તે પડી પણ ગઈ હતી, પરંતુ કોઈક રીતે અમે તેને ઉચકી હતી. મને ત્યારે લાગતું હતું કે તે પોતાનો જીવ પણ ગુમાવી શકી હોત.