મહારાષ્ટ્રમાં નવેમ્બર સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની સંભાવના છે, ત્યારે તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. એકતરફ ભાજપ, શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીની મહાયુતિમાં બેઠક વહેંચણી મુદ્દો ચાલી રહ્યો છે, તો બીજીતરફ કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપી વચ્ચે પણ બેઠક વહેંચણીનું ધમાસાણ જોવા મળી રહ્યું છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે મહાવિકાસ અઘાડીમાં ચાલી રહેલી બેઠક વહેંચણી મુદ્દે રાષ્ટ્રવાદી કોંગ્રેસ (NCP)ના પ્રમુખ શરદ પવારે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.શરદ પવારે (Sharad Pawar) ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘મહાવિકાસ અઘાડી (Maha Vikas Aghadi)માં બેઠક વહેંચણીની પ્રક્રિયા 10 દિવસની અંદર પૂરી થઈ શકે છે. મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષો (કોંગ્રેસ, શિવસેના યુબીટી અને શરદ પવારની એનસીપી) સાથે મળીને ચૂંટણી લડશે. જોકે અમારા પક્ષો કંઈ બેઠકો પર ચૂંટણી લડશે અને સીટ શેરિંગ ફોર્મ્યુલા હેઠળ કયા પક્ષને કેટલીક બેઠકો આપવામાં આવશે, તે અંગે હાલ વાતચીત ચાલી રહી છે.’
‘શેરિંગ ડીલની પ્રક્રિયા અંતિમ તબક્કામાં’ :
પવારે કહ્યું કે, ‘MVAના ત્રણે પક્ષના નેતાઓ સીટ શેરિંગ અંગે વાતચીત કરી રહ્યા છે અને સીટ શેરિંગ ડીલની પ્રક્રિયાને અંતિમરૂપ આપી રહ્યા છે. આગામી 10 દિવસની અંદર ત્રણે પક્ષો વચ્ચે બેઠક વહેંચણીની ડીલ પૂરી થઈ જશે અને કયા પક્ષને કંઈ અને કેટલી બેઠકો આપવામાં આવી તે પણ સામે આવી જશે. ત્યારબાદ જ ત્રણે પક્ષો પોત-પોતાના ઉમેદવારો જાહેર કરશે.’