લગભગ 29 મહિના બાદ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની ખુરશી શિવસેનાના એકનાથ શિંદે પાસેથી હવે ભાજપ પાસે આવી ગઈ છે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. એકનાથ શિંદે હવે સરકારમાં નંબર-2ની ભૂમિકા ભજવશે. તેનું કારણ શિંદે પાસે ઓછી બેઠકોની સંખ્યા જણાવવામાં આવી રહી છે. પરંતુ જ્યારે વર્ષ 2022માં એકનાથ શિંદેએ શિવસેના સામે બળવો કર્યો હતો ત્યારે પણ તેમના ધારાસભ્યોની સંખ્યા ભાજપના ધારાસભ્યો કરતા ઓછી જ હતી. પરંતુ તેમ છતાં એ સમયે તેમને સીએમની ખુરશી મળી હતી.એટલું જ નહીં બિહારમાં જનતા દળ યુનાઈટેડ(JDU) પાસે ભાજપ કરતા ઓછી બેઠકો છે. આમ છતાં નીતિશ કુમાર મુખ્યમંત્રીની કમાન સંભાળી રહ્યા છે. આ સ્થિતિમાં જે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે તે એ છે કે એકનાથ શિંદેએ કઈ ભૂલ કરી જેના કારણે તેમને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું?તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શિંદેની સેનાએ 57 બેઠકો જીતી હતી. જેમાંથી 14 ધારાસભ્યોને ભારતીય જનતા પક્ષને સમર્પિત હતા. જીતેલા છ ધારાસભ્યો ઘોષિત રીતે ભાજપના ધારાસભ્ય છે. તેમાં પાલઘરના રાજેન્દ્ર ગાવિત, કુડલના નિલેશ રાણે, અંધેરી(પૂર્વ)ના મુરજી પટેલ, સાંગનમેરના અનમોલ ખતાલ, નેવાસાના વિઠ્ઠલ લાંગે અને બોઈસરના વિલાસ તારેના નામો મુખ્ય છે.
શું શિંદે ભાજપ સામે બળવો કરી શકે?:
ચૂંટણી પહેલા શિંદેએ 4 અપક્ષોને પણ ટિકિટ આપી હતી. જેઓ ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. આ અપક્ષોને પણ ટિકિટ અપાવવામાં ભાજપની ભૂમિકા હોવાનું કહેવાય છે. આ સ્થિતિમાં જો શિંદે ભાજપ સામે બળવો કરે છે તો આ ધારાસભ્યોનું સમર્થન ગુમાવી શકે છે. વર્ષ 2022માં બિહારમાં મુકેશ સહની સાથે આવું જ બન્યું છે. સહનીના તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા હતા. જેના પછી સાહની ઘણી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.વર્ષ 2022માં તત્કાલીન શિવસેના(શિંદે) અને ભાજપે સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી. ત્યારબાદ બરાબર એક વર્ષ પછી દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારને પણ પોતાની સાથે જોડી લીધા હતા. અજિતનું સાથે આવવું શિંદે માટે નુકસાનકારક સાબિત થયું હતું. અજીતના કારણે શિંદે ભાજપ પર રાજકીય દબાણ ઉભું કરી શકતા નથી.
વિરોધ છતાં ફડણવીસે અજીત સાથે કર્યું ગઠબંધન :
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે 145 ધારાસભ્યોની જરૂર છે. હાલમાં ભાજપ પાસે 132 ધારાસભ્યો છે. અજીત પવારે 41 બેઠકો જીતી છે. અને શિંદે પાસે હાલમાં 57 ધારાસભ્યો છે. પરંતુ જો તેઓ સમર્થન પાછું ખેંચી લેશે તો પણ સરકાર પર કોઈ આંચ આવશે નહી. જ્યારે અજિત એનડીએમાં જોડાયા ત્યારે તેમની સામે મૌન વિરોધ થયો હતો. પરંતુ ફડણવીસે તેની મજબૂત હિમાયત કરવાનું ચાલુ રાખ્યું હતું. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મેગેઝિન ઓર્ગેનાઈઝરે પણ અજીતનો વિરોધ કર્યો હતો. ત્યારે પણ શિંદે તેને ગઠબંધનમાં મુદ્દો બનાવી શક્યા ન હતા. ચૂંટણી પછી જ્યારે શિંદે તેમના ગામ ગયા અને તેમની નારાજગીના સમાચાર સામે આવ્યા ત્યારે અજીત સક્રિય થઈ ગયા હતા.