સુરતના ભટાર વિસ્તારમાં રહેતી સોફ્ટવેર એન્જિનિયર મધુલિકાના. જેણે 21 જૂનના રોજ પતિને છેલ્લો વ્હોટ્સએપ મેસેજ કરીને આકાશ દર્શન એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી સાંજના 7.30 વાગ્યે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. સાસુ કિચનમાં ભોજન બનાવી રહ્યાં હતાં, તે દરમિયાન મધુલિકાએ ઘરની બાલ્કનીમાંથી મોતની છલાંગ લગાવતાં નીચે કાર ઉપર પટકાઈ હતી. મધુલિકા નીચે પડ્યાંની જાણ થતાં સોસાયટીના રહીશો સહિતના દોડી આવ્યા હતા અને 108માં નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ઘટનાના ત્રણ દિવસ બાદ મધુલિકાના મોત પાછળનું કારણ સામે આવ્યું છે.
મધુલિકા નો છેલ્લો મેસેજ:
હાય, વિકાસ. મારાથી હવે સહન થતું નથી. હું સફોકેટ થઈ ગઈ છું. મેં તને દુઃખ આપ્યું એ બદલ મને માફ કરી દે. બસ હવે મારા મોતથી શાંતિ થઈ જશે. હું આ રીતે જીવી શકું નહીં. હું માફી માગું છું. બની શકે તો ખરાબ સમય ભુલાવી દેજે અને આપણો સારો સમય યાદ રાખજે. જો શક્ય હોય તો મારા પિયરથી આવેલાં ઘરેણાં મારાં માતા-પિતાને પાછાં આપી દેજે, ચુચુના લગ્નમાં કામ આવશે. મારી છેલ્લી ઇચ્છા પર વિચાર કરજે. તારું ધ્યાન રાખજે. હું મિસિસ વિકાસ પેરીવાલ તરીકે મૃત્યુ પામી રહી છું, આવજે.
મધુલિકા ના પિતાએ નોંધવી હાટી ફરિયાદ
મૂળ રાજસ્થાનના વતની ગોપીકિશન પેરીવાલ હાલ ભટાર એલ. બી. સિનેમા પાસે આવેલ આકાશ દર્શન એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહે છે. ગોપીકિશનના સંતાન પૈકી વિકાસ એન્જિનિયર છે. વિકાસે ત્રણ વર્ષ પહેલાં સોફ્ટવેર એન્જિનિયર મધુલિકા (29 વર્ષ) નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. ત્રણેક મહિના પહેલાં વિકાસની પૂણેમાં કંપનીમાં નોકરી લાગી ગઈ હતી. તેમજ મધુલિકા વરાછા વિસ્તારમાં આવેલ એક કંપનીમાં નોકરી કરતી હતી. પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી મોટી દીકરી મધુલિકાનાં લગ્ન વખતે અમારા રીતિ-રીવાજ મુજબ આશરે 40 તોલા સોનું-ચાંદી અને ફર્નિચ૨ બનાવવા માટે જમાઇ વિકાસના પરિવારને એક લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. લગ્નના આઠેક મહિના પછી વિકાસે મધુલિકાને એક લાખ રૂપિયામાં તો ખાલી બાથરૂમ જ બની શકે, તેવા મહેણાં-ટોણાં મારવાનું ચાલુ કરી દીધું હતું. મારી દીકરી લગ્નના એકાદ વર્ષ બાદ વરાછામાં સોફ્ટવેર ઇન્જિનિયર તરીકે માસિક પગાર 80 હજારથી નોવેટર ટેક્નોલોજી નામની ખાનગી કંપનીમાં નોકરી પર લાગી ગઇ હતી. આ પગાર પણ વિકાસ લઈ લેતો હતો. મારી દીકરી પોતાના અંગત ઉપયોગમાં એક રૂપિયો પણ વાપરતી તો તેનો પતિ વિકાસ માર મારતો હતો.
મેનેજરને વ્હોટ્સએપ કર્યો
21 જૂનને શુક્રવારે સાંજે મધુલિકાએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને પતિ તેમજ તેણીના ઓફિસના મેનેજરને વ્હોટ્સએપ મેસેજ કરીને બાલ્કનીના ભાગથી નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે પિતા દ્વારા દીકરીના આપઘાતને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેથી ખટોદરા પોલીસે મૃતક મધુલિકાના પતિ વિકાસ પેરીવાલ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.