દક્ષિણ ગુજરાતમાં હાલ શેરડીના કટિંગની પ્રક્રિયા ચાલતી હોય છે. ત્યારે કમોસમી વરસાદ આ પ્રક્રિયામાં વિઘ્ન બન્યો છે. દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શેરડીના ખેતરોમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાને કારણે મજૂરો શેરડી કાપવા જઇ શકતા નથી. સરેરાશ 50 હજાર ટનથી વધુની શેરડીની કાપણી અટકી પડી છે. અને ખેડીતોની ચિંતા વધી છે.
ખેડૂતોને માવઠું ખુબ નડ્યું છે. શેરડીની કાપણી અટકતા સુગર મિલોમાં પીલાણની પ્રક્રિયા પણ અટકી છે. જેના કારણે સુગર મિલોને પણ લાખોનું નુકસાન થયું છે. ત્યારે ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ સહાયની માગ કરવામાં આવી છે.
તો બીજી તરફ ખેતી માટે જાણીતા વલસાડ જિલ્લામાં ખેતીનું પ્રમાણ ઘટી રહ્યું છે. ખાસ કરીને વાતાવરણમાં અવર નવર થઇ રહેલા પલટાને કારણે ખેડૂતો આર્થિક ચપેટમાં આવી રહ્યા છે. છેલ્લા ૨ દિવસથી વલસાડ જિલ્લામાં પડેલા વરસાદએ શીયાળા પાકને લપેટામાં લીધો છે. અને મોટા ભાગનો પાક પલળી જવાથી જગતના તાત ઉપર આફતનું પહાડ તૂટી પડ્યું છે.
ચાલુ માસમાં પણ વરસાદે ખેતીમાં પાણી પાણી કરી દીધું છે. કમોસમી વરસાદ માત્ર માવઠા સમાન ન હતો, બરાબરનું ચોમાસું જામ્યું હોય એમ મેઘવર્ષા થઇ હતી. ૨ ને ૩ ઇંચ આકાશી પાણી પડતા ખેતીમાં પાણી ફરી વળ્યું છે. જેથી આંખોની સામેજ નુકસાની દેખાઈ રહી છે.
છેલ્લા ઘણા વર્ષોથી વાતાવરણના પલટાને કારણે ખેતીમાં નુકસાન થઇ રહ્યું છે. સારી કમાણી અને સારા પાકની આશા રાખતા ખેડૂતોની આશા ઉપર વરસાદી પાણી ફરી વળવાના કારણે તેમની ગણતરી ઉંધી પડી રહી છે. અને અંતે ખેડૂતોને રોવાનો વારો આવી રહ્યો છે. તેમાં પણ ખેતી માટે લોન લેતા કે દેવું કરતા ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તો કેટલાક યુવાનો ખેતી છોડી વેપાર કે નોકરી તરફ વળી રહ્યા છે. ત્યારે ખેતી બચાવવા માટે સરકાર કોઈ એક્શન પ્લાન લાવે એ જરૂરી બન્યું છે.