ગીર-સોમનાથમાં બોટની જળસમાધિની ઘટનામાં લાપતા થયેલા 2 ખલાસીના મૃતદેહ મળ્યા

0
16
ગુરુવારે રાત્રે એક ખલાસીનો અને આજે વહેલી સવારે એક ખલાસીનો મૃતદેહ મળ્યો છે.
ગુરુવારે રાત્રે એક ખલાસીનો અને આજે વહેલી સવારે એક ખલાસીનો મૃતદેહ મળ્યો છે.

ગીર: સોમનાથ ના નવા બંદરમાં સૂસવાટાભેર પવનની સ્થિતિમાં 15 જેટલી બોટ ડૂબવાની ઘટના બની હતી. દરિયામાં ઉઠેલા કરંટ અને ભારે પવનના કારણે બોટ ડૂબી જતા 8 જેટલા માછીમારો લાપતા થયા હતા. જેને બચાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યુ હતું. આ ઘટનામાં 2 ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે. ગુરુવારે રાત્રે એક ખલાસીનો અને વહેલી સવારે એક ખલાસીનો મૃતદેહ મળ્યો છે.

ઉના પાસેના નવાબંદરમાં 10, સૈયદ રાજપરા બંદર પાસે 2 અને જાફરાબાદ બંદર પાસે 1 સહિત દરિયામાં ગયેલી 15 જેટલી બોટ તોફાની દરિયામાં ડુબતા ખલાસીઓ મધદરિયે ફસાયા હતા. દરિયામાં કલાકના 40થી 45 કિ.મી.ની તીવ્ર ઝડપે મીની વાવાઝોડુ ફૂંકાયું હતું. ઊંચા મોજા ઉછળ્યા હતા. કાંઠાળ વિસ્તારમાં રહેતા લોકો વાવાઝોડાના ભયથી ફફડી ઉઠયા હતા. કાંઠે લાંગરેલી બોટો એકબીજા સાથે અથડાતા બોટોને નુક્શાન થયું હતું. આ સ્થિતિમાં ઉના નજીક નવાબંદરના દરિયામાં ગયેલી 10થી 12 બોટ તૂટી જતા દરિયામાં ડુબી ગઈ હતી. તેમાં સવાર 12 માછીમારો લાપત્તા થયા હતા. જેમાં 5 ખલાસી રમેશ બચુભાઈ રાઠોડ, અરજણ માધાભાઈ ગુજરીયા, ભરત જીણાભાઈ બાંભણીયા, ગોવિંદ સોમાતભાઈ મકવાણાને કોસ્ટગાર્ડે સર્ચ ઓપરેશન હાથ ધરીને બચાવી કાંઠે લવાયા હતા. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા.

બે ખલાસીના મૃતદેહ મળ્યા

ઉનાના કલેક્ટરે જણાવ્યા પ્રમાણે લાપત્તા થયેલા 8 માછીમારોને બચાવવા કોસ્ટ ગાર્ડ દ્વારા બે હેલીકોપ્ટરની મદદથી શોધખોળ હાથ ધરાઈ હતી. જ્યારે એક ખલાસી શોકીલ રહેમાનભાઈ શેખ (રહે.નવાબંદર)નો મૃતદેહ ગઇકાલે મળી આવ્યો હતો. આ સાથે એક માછીમારનો મૃતદેહ આજે સવારે મળી આવ્યો છે. આ ઉપરાંત, ઉનાના સૈયદ રાજપરા પાસે દરિયામાં પણ મીની વાવાઝોડામાં બે બોટ દરિયામાં ડુબી હતી અને 15 ખલાસીઓ ફસાયા હતા. તેમને અન્ય બોટના ખલાસીઓએ બચાવી લીધા હતા. બંદરથી 10 નોટીકલ માઈલ દૂર દરિયામાં આ દુર્ઘટના ઘટી હતી, બોટમાં પાણી ભરાવા લાગતા બીજી બોટ દ્વારા ખલાસીને રેસ્ક્યુ કરાયા હતા.એક માછીમાર જીવ બચાવી ને બહાર આવ્યો હતો તેમને પોતાની આપવીતી જણાવી હતી. રમેશ રાઠોડ નામના માછીમારે ઘટનાને યાદ કરતાં કહ્યું હતું કે, બોટમાં હતા ત્યારે અચાનક જ જોરથી પવન ફુંકાયો હતો જે બાદ અમે ગભરાઈ ગયા હતા. અધવચ્ચે જ દરિયામાં ઉંચા મોજા ઉછળવા મંડ્યા હતા.