Germany Solingen Knife attack News : જર્મનીના સોલિંગેનમાં એક ઈવેન્ટ દરમિયાન અજાણ્યા હુમલાખોરે ચાકુ વડે હુમલો કર્યો હોવાના ચકચાર મચાવતા અહેવાલ સામે આવ્યા છે. આ ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકો મૃત્યુ પામ્યા જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મીડિયા એજન્સીના અહેવાલ જણાવ્યા અનુસાર, સોલિંગેનની 650મી વર્ષગાંઠની ઉજવણીમાં આયોજિત પાર્ટી દરમિયાન શુક્રવારે રાત્રે આ હુમલો થયો હતો. ઘટના બાદ હુમલાખોર સ્થળ પરથી નાસી જવામાં સફળ રહ્યો હતો.માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ ખસેડયા હતા. હુમલાને કારણે લોકોને વિસ્તાર ખાલી કરવા કહેવાયુ હતું. આ સાથે પોલીસે અજાણ્યા હુમલાખોરની શોધમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઘટનાસ્થળની નજીકના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, પોલીસે ઇજાગ્રસ્તોની સ્થિતિ અંગે હાલ કંઈ કહેવાનો ઈન્કાર કર્યો હતો. સોલિંગેનની વસ્તી 160,000 છે અને તે જર્મનીના બે સૌથી મોટા શહેરો કોલોન અને ડસેલડોર્ફની નજીક સ્થિત છે.આ ઘટના શહેરના મધ્યમાં આવેલા ફ્રાનહોફ નામના માર્કેટમાં બની હતી, જ્યાં લાઇવ મ્યુઝિક કોન્સર્ટ માટે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પાર્ટીના સહ-આયોજકોમાંના એક ફિલિપ મુલરે કહ્યું કે હુમલામાં 9 લોકો ઘાયલ થયા છે, જેઓ જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. કાર્યક્રમ થોડા સમય માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો. પોલીસે કોમ્બિંગ વધારતાં સમગ્ર શહેરની નાકાબંધી કરી દીધી છે અને એલર્ટ જારી કરી દીધું છે.