સુરત નવી સિવિલમાં જૂની બિલ્ડિંગ જર્જરીત થઈ ગઈ છે, જેથી તંત્ર દ્વારા જૂની બિલ્ડિંગને તોડીને નવી બિલ્ડિંગ બનાવવાનું નક્કી કર્યુ છે. જોકે, હાલમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો હોવાથી સિવિલની જૂની બિલ્ડિંગમાં ચોથા માળે વોર્ડમાં અને પેસેજમાં વરસાદી પાણી ટપકી રહ્યું છે. આ પરિસ્થિના કારણે દર્દીઓ અને કર્મચારીઓ હાલાકી વેઠી રહ્યા છે. જ્યારે આરએમઓ ઓફિસની બહાર લોબીમાં સ્લેપ પડવાના ડરે ટેકા મૂકવામાં આવ્યા છે. આ જર્જરીત બિલ્ડિંગ હાલમાં મોતના માચડા સમાન છે. હાલમાં ચોમાસુ ચાલી રહ્યું છે અને બિલ્ડિંગમાંથી પાણી પણ ટપકે છે, જેથી ગુજરાતમાં વધુ એક દુર્ઘટના સર્જાય તો નવાઈ નહીં!
નવી સિવિલના અધિકારીઓ દ્વારા જર્જરિત થઈ ગયેલા જૂની બિલ્ડિંગમાંથી વોર્ડ અને ઓપીડી ખાલી કરવામાં કોઈ દુર્ઘટનાની રાહ જોતા હોય તેમ જણાય રહ્યું છે. દરમિયાન જૂની બિલ્ડિંગમાં ચોથા માળે ઇ-4 વોર્ડમાં અર્ને એફ-4 વોર્ડમાં દર્દીઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જોકે, બંને વોર્ડની અંદર અને બહાર પેસેજ સહિતની કેટલીક જગ્યાએ વરસાદી પાણી ટપકી રહ્યું છે.
પોપડા પડવાની સાથે અમુક ભાગ બેસી જવાની શક્યતા
પાણી ટપકવાના લીધે વોર્ડમાં અને પેસેજમાં પ્લાસ્ટીકના બેગ સહિત વસ્તુઓ મુકવાની નોબત આવી છે. આવા સંજોગોમાં ત્યાંથી પસાર થતા દર્દી, તેમના સંબંધી અને કર્મચારીઓ હાલાકી વેઠી રહ્યા છે. બીજી તરફ નવી સિવિલમાં જૂની બિલ્ડિંગમાં જર્જરીત થઇ ગઇ હોવાથી અમુક વોર્ડ, પેસેજ સહિતના ભાગના છતના કેટલાક ભાગમાં પોપડા પડે કે અમુક ભાગ બેસી જવાની શક્યતા છે.
સારવાર માટે આવતા દર્દીઓને હાલાકી.
પડવાના ડરે તંત્રએ લોખંડના ટેકા મૂક્યાં
આવી જોખમ જેવી પરિસ્થિતિમાં તંત્ર દ્વારા આરએમઓ ઓફિસ નજીક સહિતના કેટલીક જગ્યાએ લોખંડના ટેકા મૂકીને સપોર્ટ આપવામાં આવ્યો છે. નવી સિવિલના તંત્રના જણાવ્યા પ્રમાણે, જ્યાં પાણી ટપકતુ હતું ત્યાં તાકીદે કામગીરી કરીને બંધ કરવા માટે પી.આઈ.યુ વિભાગને સૂચના આપી છે. જ્યારે હિમોફિલીયા, ગાયનેક, સર્જરી વિભાગની ઓ.પી.ડી જલ્દી જૂના ટ્રેમા સેન્ટ્રરમાં ખસેડવામાં આવશે.
સિવિલનું જૂનું બિલ્ડિંગ જર્જરીત.
સિફ્ટ કરવામાં 6 મહિના લગાવ્યાં
નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા દિવસને દિવસ વધી રહી છે. જૂની બિલ્ડિંગ જર્જરિત થઇ ગઇ હોવા છતાં પણ અહી મોટી સંખ્યામાં દર્દીઓ તેમજ તેમના સગાઓ આવતા હોય છે. છેલ્લા 6 મહિનાથી આ જર્જરિત બિલ્ડિંગને શિફ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. તેમ છતાં અત્યાર સુધી એક પણ વોર્ડ શિફ્ટ કરવામાં આવ્યો નથી. તેને જોતા લાગે છે કે, આ કામગીરી માત્ર કાગળ પર થઈ રહી છે.
સિવિલ કેમ્પસમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની.
ર્દીઓના જીવ જોખમમાં
સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 12 માળની કિડની અને 12 માળની સ્ટેમ સેલ હોસ્પિટલ ખાલી છે, છતાં દર્દીઓના જીવ જોખમમાં છે. 24 ઓપરેશન થિયેટર, 16 વોર્ડ, જૂનું આઈસીયુ, ડાયાલિસિસ સેન્ટર, આઈસીયુ, એનઆઈસીયુ, બ્લડ બેંક, ઓર્થો વોર્ડ, આરએમઓ ઓફિસ, નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ ઓફિસ સંપૂર્ણપણે જર્જરિત છે. તેમ છતાં અહીં સારવારનું કામ ચાલી રહ્યું છે.
પાણી ટપકતા પ્લાસ્ટિકના બેગો મૂકી.
દર્દી પર સ્લેબ પડવાની ઘટના બની હતી
હોસ્પિટલમાં અનેકવાર દર્દીઓ ઉપર તેમજ સ્લેબ પડવાની તેમજ તૂટવાની ઘટના સામે આવી ગઈ છે. તેમજ થોડાક દિવસ પહેલા જ ડાયાલિસિસની સારવાર લેવા માટે આવેલી મહિલા દર્દી ઉપર સ્લેબ તૂટીને પડવાનો બનાવ પણ સામે આવ્યો હતો. તેમ છતાં તંત્ર હાલ કામ ચલાઉ વ્યવસ્થા કરી લીધી છે. હોસ્પિટલમાં લોખંડના ટેકા સાથે સ્લેબને સ્પોર્ટ આપવામાં આવ્યો છે.
અનેક જગ્યાએ ટપકતા પાણી.
વરસાદી પાણી ભરાવાની પણ સમસ્યા
વરસાદને પગલે નવી સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાય ગયા છે, જેને પગલે દર્દીઓને એક વોર્ડથી બીજા વોર્ડમાં લઈ જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ભરાયેલા પાણીનું કાયમી નિકાલ કરવાની જગ્યાએ તંત્રે હોસ્પિટલમાં બે એમ્બ્યુલન્સ વ્યવસ્થા ઉભી કરી દીધી છે. પરતું આ બનાવમાં જો એમ્બ્યુલન્સ કોઈ દર્દીને લઈને જાય તો બીજા દર્દીને વોર્ડમાં જવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે.
બિલ્ડિંગને ટેકા મૂકવાની ફરજ પડી.
પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની
સુરતમાં સામાન્ય વરસાદ પડે તો પણ સિવિલ હોસ્પિટલના કીડની બિલ્ડિંગ ઓફિસ અને પોસ્ટમોર્ટમ રૂમની બહાર પાણી ભરાઈ જાય છે. આ પાણીનું ભરાવો ગત વર્ષે પણ થઈ રહ્યો હતો અને આ વર્ષે પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે અને અહીં પાણી દૂર જ થયું નથી. ત્યારે અહીં આવતા દર્દીઓ અને સગા સંબંધીઓને મારે હાલાકી ભોગવી પડી રહી છે.